માણાવદરમાં ધોધમાર છ, વંથલીમાં ચાર, જૂનાગઢ- માંગરોળમાં અઢી ઈંચ
- જૂનાગઢ જિલ્લામાં અવિરત મેઘસવારી
- માળીયા હાટીના, મેંદરડામાં બે-બે ઈંચ, કેશોદ- બેંસાણમાં દોઢ તથા વિસાવદરમાં એક ઈંચ
જૂનાગઢ જિલ્લામાં આજે પણ મેઘસવારી અવિરત જારી રહી હતી. આજે માણાવદરમાં વધુ છ ઈંચ વરસાદ થયો હતો. જયારે વંથલીમાં ચાર, તથા જૂનાગઢ અને માંગરોળમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. તો માળીયા હાટીના અને મેંદરડામાં બે-બે ઈંચ વરસાદ થયો હતો. જયારે ભેંસાણમાં દોઢ અને વિસાવદરમાં એક ઈંચ વરસાદ થયો હતો.
ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં એકથી આઠ ઈંચ વરસાદ થયો હતો. અને ગતરાત્રે દરમ્યાન પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. તો આજે સવારથી પણ સમગ્ર જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો હતો.
ગત રાત્રીનાં આઠ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં માણાવદર પંથકમાં છ ઈંચ વરસાદ થયો હતો. અને રસાલાડેમ ફરી છલકાયો હતો. જયારે બાંટવા ખારા ડેમમાં પાણીની વધુ આવક થતા ૧૨ દરવાજા ખોલાયા હતાં. અને સમેગા, એકલેરા, કોડવાવ ગામોમાં પાણી ઘુસી ગયું હતું. જયારે સરાડીયા ગામમાં પણ ઘુઘવી નદીના પૂરના પાણી ઘરોમાં ઘુસી ગયા હતાં.
આ ઉપરાંત વંથલી પંથકમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. શાપુર, કણઝા, કણઝડી, સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ચાર ઈંચ વરસાદ થતા ખેતરોમાં જળ બંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી.
જયારે જૂનાગઢના ગિરનાર તથા દાતાર પર્વત વિસ્તારમાં આજે સવારે ત્રણથી ચાર ઈંચ વરસાદ પડતા કાળવા તથા સોનરખ નદીમાં ફરી પાણી આવ્યું હતું. તો જૂનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ તળાવ પ્રથમ વખત ઓવરફલો થયું હતું.
જૂનાગઢ શહેરમાં દિવસ દરમ્યાન ધીમીધારે અઢી ઈંચ વરસાદ થયો હતો. જયારે માંગરોળ પંથકમાં પણ અઢી ઈંચ વરસાદ થયો હતો.
આ ઉપરાંત માળીયા હાટીના તથા મેંદરડા પંથકમાં બે - બે ઈંચ તેમજ કેશોદ અને ભેંસાણ પંથકમાં દોઢ તેમજ વિસાવદર પંથકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.