લીલી પરીક્રમાના ભાવિકોને વહેલી સવારે 4 થી 8 સુધી જ પ્રવેશનો તઘલખી નિર્ણય
- શ્રદ્ધાળુ ભાવિકોને બપોરે પ્રવેશ નહીં અપાતા હોબાળો: તંત્રની તાનાશાહી સામે વિરોધ વંટોળ
- ગરવા ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરિક્રમા માત્ર 18 કલાકમાં પૂર્ણ કરી દેવાના વહીવટી તંત્રના વિવાદાસ્પદ નિર્ણયને લીધે અનેક ભાવિકોને પારાવાર હેરાનગતિ: નિયમોના નામે આસ્થા સાથે છેડછાડ
જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાને વહીવટીતંત્રએ જ વિવાદાસ્પદ બનાવી નાખી છે લાખો શ્રદ્ધાળુઓના આસ્થા સાથે વારંવાર રમત રમી મનઘડત નિયમો લાગુ કરી યાત્રિકોની લાગણી સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.આજે સવારે આઠ વાગ્યા બાદ હવે આવતીકાલે સવારે ચાર વાગ્યે પ્રવેશ આપવામાં આવશે તેવો નિયમ બનાવવામાં આવ્યો હતો.પરંતુ આજે બપોરે યાત્રીકોએ કરેલા હોબાળા બાદ ગેટ ખોલી તેને પ્રવેશ આપી ફરી ગેટ બંધ કરી દેવામાં આવતા હજારો યાત્રિકોએ ભવનાથમાં રોકાઈ હેરાન થવું પડયું હતું.
ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન પરિક્રમાનો ગતરાત્રીના ઇન્દ્રભારતી બાપુના ગેટ નજીક પૂજન સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.અને સવારે ચાર વાગ્યે યાત્રિકોએ પરિક્રમા રૂટ પર જઈ યાત્રા શરૂ કરી હતી.પરંતુ આ વખતે તંત્રના અણઘડ આયોજન અને મનઘડત નિયમોના લીધે પરિક્રમા ચર્ચામાં છે. યાત્રિકો ગિરનાર પર્વત પર ૩૬ કિલોમીટર જંગલના અને ડુંગરાળ રસ્તા પર ચાલીને ભગવાનની આરાધના કરી પુણ્યનું ભાથું બાંધે છે .આ વર્ષે વહીવટી તંત્રના સંકલન અને અનુભવ ના અભાવે અનેક મનઘડત નિયમો થયા અને તેમાં અચાનક અનેકવાર ફેરફારો કરવામાં આવ્યા છે. સૌપ્રથમ સાધુ સંતોને જ પરિક્રમા ની મંજૂરી આપવામાં આવી છતાં હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ભવનાથ વિસ્તારમાં ઉમટી પડયા અને ગઈકાલે તા.૧૪ના પરિક્રમા ના દરવાજા પર યાત્રિકોએ હોબાળો મચાવતા બપોરબાદ તમામ યાત્રિકોને ૪૦૦-૪૦૦ ના જૂથમાં ૧૯ તારીખ સુધી પરિક્રમા જવા ની છુટ આપવામાં આવી હતી.
પરિક્રમા ની છૂટ આપવાની આજે વહેલી સવારે ચાર વાગે યાત્રિકોએ પરિક્રમાનો પ્રારંભ કર્યો અને સવારે આઠ થયા ત્યાં ફરી પરિક્રમા બંધ કરી દેવામાં આવી જેથી પરિક્રમા કરવાની આશા એ ગુજરાત ભરમાંથી જૂનાગઢ આવેલા યાત્રિકોએ પરિક્રમાના દરવાજા પર આજે બપોરે વધુ એક વાર હોબાળો મચાવ્યો ત્યારબાદ ફરી ગેટ ખોલી પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. થોડીવાર બાદ ફરી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.હવે આવતીકાલે વહેલી સવારના ૪થી ૮ સુધી એટલે કે માત્ર ચાર કલાક જ પરિક્રમા રૂટ પર પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવશે. અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા કરવા જશે તેને ફરજિયાત રાત્રિના સમયે જંગલની બહાર નીકળી જવાનું રહેશે.એવો નિયમ બનાવ્યો છે.
હવે સવાલ એ થાય છે કે ૩૬ કિલો મીટરના ડુંગરાળ અને જંગલ ના રસ્તા પર માત્ર ૧૮ કલાકમાં જ પરિક્રમા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આજે પરિક્રમાર્થીઓ ના હોબાળા બાદ હજારો યાત્રિકો સવારથી બપોરના બાર વાગ્યા બાદ પરિક્રમા શરૂ કરી છે તે યાત્રિકો જંગલમાં જ રાત્રી પસાર કરવી પડશે બીજી તરફ તંત્ર દાવો કરતું હતું કે કોઈ પણ યાત્રિકોને રાત્રિના સમયે જંગલમાં રહેવા દેવામાં નહીં આવે હવે આવા મનઘડત નિર્ણયના કારણે લાખો યાત્રિકોના આસ્થા સમાન ગિરનારની લીલી પરિક્રમાને ખુદ વહીવટીતંત્રે જ જુદાજુદા વિભાગો વચ્ચે ના સંકલન અને અનુભવના અભાવે વિવાદાસ્પદ બનાવી દીધી છે વિવાદાસ્પદ પરિક્રમા ના કારણે લાખો યાત્રિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમકે ભવનાથ વિસ્તારની અંદર પરિક્રમા કરવા દેવાની આશાએ લોકો ભૂખ્યા તરસ્યા હેરાન થઇ રહ્યા છે છતાં પણ હજુ વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
આવા ફેરફાર ભર્યા મનઘડત નિર્ણયોના કારણે પરિક્રમા કરવા જતા યાત્રિકો તમામ પ્રાથમિક સુવિધાના અભાવે અંદર હેરાન થઇ રહ્યા છે. અને બહાર રહેલા યાત્રિકો પરિક્રમા કરવા નહીં જવા દેવાના નિર્ણયના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. અને રોષ ઠાલવી રહ્યા છે.
બે દિવસમાં ચાર વખત નિયમોમાં ફેરફાર થતા યાત્રિકો વિમાસણમાં
ગઈકાલે સવારે માત્ર સાધુ સંતોને જ પરિક્રમા માટે મંજૂરી છે એવી જાહેરાત થઈ હતી.બપોરે યાત્રિકોએ હોબાળો કરતા ૪૦૦- ૪૦૦ લોકોના ગૃપમાં તમામ યાત્રિકોને જવા મંજૂરી આપી હતી.બાદમાં આજે સવારે હવે આવતીકાલે સવારે ચાર વાગ્યે જ પ્રવેશ મળશે તેવી મૌખિક જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ બપોરે યાત્રિકોએ હોબાળો કરતા ગેટ ખોલી બંધ કરી દેવામાં આવ્યો હતો.આમ બે દિવસમાં ચાર વખત નિયમોમાં ફેરફાર થતા યાત્રિકો પણ વિમાસણમાં મુકાયા હતા.
પરિક્રમા દરમ્યાન આવા મનસ્વી નિયમો ક્યારેય નથી સાંભળ્યા : યાત્રિકો
વર્ષોથી પરિક્રમા કરવા આવતા યાત્રિકોએ જણાવ્યું હતું કે અમે દૂર દૂરથી આસ્થા સાથે પરિક્રમા કરવા આવ્યા છીએ આવા મનઘડત અને મનસ્વી નિયમો અત્યાર સુધી ક્યારેય નથી સાંભળ્યા. નિયમ લોકોની સુવિધા માટે હોય છે પરંતુ આ નિયમોના લીધે યાત્રિકોને હેરાન થવા સિવાય કશું મળતું નથી.
લાખો લોકોને બદલે પ્રથમ દિવસે ૪૦ હજાર લોકોએ જ પ્રવેશ કર્યો
દરવર્ષે પરિક્રમાના પ્રથમ દિવસે લાખો લોકો પ્રવેશ કરે છે.પરંતુ આ વખતે મનસ્વી નિર્ણયોના લીધે આજે માત્ર સવારે ચાર થી આઠ વાગ્યા સુધીમાં ૩૫ હજાર અને બપોરે પાંચેક હજાર યાત્રિકોએ પ્રવેશ કર્યો હતો.જેમના અમુક યાત્રિકોએ તો આજે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરી હતી.