જૂનાગઢ મેડિકલ કોલેજ કેમ્પસમાં દીપડાના આંટાફેરા : તબીબો-વિદ્યાર્થીઓમાં ફફડાટ
- ગ્રામ્ય અને રેવન્યુ વિસ્તાર ઉપરાંત શહેર સુધી ચડી આવતા દીપડા
- સીસી ટીવી કેમેરામાં કેદ છતાં દીપડાને પકડવા માટે પાંજરુ મુકવાનાં મુહુર્તની રાહ જોતુ વન વિભાગઃ દીપડાએ કેમ્પસમાં બે શ્વાનનો કર્યો શિકાર
જૂનાગઢ, તા.03 માર્ચ 2020, મંગળવાર
જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ કેમ્પસમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દીપડો આંટાએપરા કરી રહ્યો છે. ત્રણેક દિવસ પહેલા આ દીપડાએ કેમ્પસમાં બે શ્વાનનો શિકાર કર્યો હતો. તબીબો તથા મેડિકલના વિદ્યાર્થીઓને આ દીપડો જોવા પણ મળ્યો હતો. આ દીપડો સીસી ટીવી કેમેરામાં કેદ થયો હતો. દીપડાના કારણે વિદ્યાર્થીઓ તથા તબીબોમાં ફફડાટ ફેલાયોછે. દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા છે. છતાં વનતંત્ર હજુ પાંજરુ મુકવામાટે મુહુર્તની રાહ જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે.
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર દીપડાઓ ચડી આવે છે અને લોકો પર હુમલા પણ કરે છે. પરંતુ હવે દીપડાઓ શહેરમાં રહેણાંક વિસ્તારો સુધી આવવા લાગ્યા છે.
જૂનાગઢના મજેવાડી દરવાજા નજીક આવેલી મેડિકલ કોલેજના કેમ્પસમાં ગત તા. ૨૯ ફેબુ્ર.ના રાીના ૧૨ વાગ્યા આસપાસ દીપડો આંટાફેરા કરતો જોવા મળી રહ્યો છે. રાત્રે તબીબી વિદ્યાર્થીઓએ આ દીપડાને ધુળના ઢગલા પરથી ઉતરતા જોયો હતો. બાદમાં જનરેટર પાસે ગયો હતો. કુતરા ભસવા લાગતા દીપડાએ બે કુતરાનો શિકાર પણ કર્યો હતો. ૨૯ ફેબુ્ર. બાદ પણ દીપડો કેમ્પસમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. જે સીસી ટીવી કેમેરામાં પણ કેદ થયો છે. કેમ્પસમાં દીપડો જોવા મળતા મેડિકલ કોલેજમાં ડીન દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનતંત્રના સ્ટાફે ત્યાં જઈ તપાસ કરતા દીપડાના પગના
નિશાન જોવા મળ્યા હતા. આ દીપડો અગાઉ જેલની વાડી આસપાસ પણ જોવા મળ્યો હતો. ત્યારે પાંજરુ મુકવું હતું. પરંતુ દીપડો પાંજરે પુરાયો ન હતો. આથી વનતંત્ર મેડીકલ કોલેજ કેમ્પસમાં પણ હજુ પાંજરુ મુકવા મુહુર્તની રાહ જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે.
મેડિકલ કોલેજના ડીન ડો. એસ.પી. રાઠોડે જણાવ્યું હતું કે મેડિકલ કોલેજના કેમ્પસમાં ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા તબીબો તેમજ અન્ય સ્ટાફ મળી કુલ ૧૨૦૦ લોકોનો વસવાટ છે. આ દીપડાના આંટાફેરાથી વિદ્યાર્થીઓ-તબીબોમાં ફફડાટ ફેલાયો છે. અને આ દીપડાને તાકિદે પકડવામાં આવે એવી માંગ ઉઠી છે. મેડિકલ કોલેજના ગેટ નજીક મોટી ગટર છે. ગિરનાર જંગલ વિસ્તારમાંથી દીપડો રોડ પર થઈ આ ગટરમાંથી કેમ્પસમાં ઘુસી જાય છે અને ત્યાંથી પરત જતો રહેતો હોવાનું અનુમાન છે.
વિદ્યાર્થીઓ-તબીબોએ વોકીંગ કરવા જવાનું બંધ કરી દીધુ
મેડિકલ કોલેજ કેમ્પસમાં દીપડાના આંટાફેરાના લીધે વિદ્યાર્થીઓ-તબીબોમાં ભય ફેલાયો છે. અને સવાર-સાંજ વોકીંગ કરવા જવાનું પણ બંધ કરી દીધું છે. તેમજ વિદ્યાર્થીઓ રાત્રે હોસ્ટેલથી લાયબ્રેરીએ વાંચવા જવામાં પણ ડર અનુભવી રહ્યા છે.