જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકામાં 1681 હેક્ટરમાં મગફળી-કપાસનાં પાકને નુકસાન
- 3.10 લાખ હેક્ટર વાવેતરમાં માત્ર 11 હજાર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત
- 5511 હેક્ટરમાં સર્વે કામગીરી પૂર્ણ, હજુ ઘેડ વિસ્તારમાં પાણી ભરેલા હોવાથી છ હજાર હેક્ટરમાં સર્વે બાકી
જૂનાગઢ, તા.17 ઓક્ટોમ્બર 2019, ગુરૂવાર
જૂનાગઢ જિલ્લામાં ૩.૧૦ લાખ હેક્ટરમાં કપાસ- મગફળીનું વાવેતર થયું છે. ભારે વરસાદના લીધે તેમાં નુકસાન થયું હતું. આ મામલે તંત્ર દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ૧૧ હજાર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત જાહેર થયો હતો. તેમાંથી ૧૮૧ ગામના ૫૫૧૧ હેક્ટરમાં સર્વે થયો છે અને ૧૬૮૧ હેક્ટરમાં જ મગફળી- કપાસના પાકને નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ જાહેર થયો છે. હજુ ઘેડ વિસ્તારમાં પાણી ભરેલા હોવાથી છ હજાર હેક્ટરમાં સર્વે બાકી છે. જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ થયો હતો અને પૂરના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું હતું તેમજ પાકને નુકસાન થયું હતું.
જૂનાગઢ જિલ્લામાં ૨,૩૪,૬૦૦ હેક્ટર જમીનમાં મગફળી તથા ૭૪૮૯૨ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. આ વાવેતરમાંથી ત્રણ તાલુકાનો ૧૧ હજાર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત જાહેર થયો હતો. માણાવદર, માંગરોલ અને કેશોદ તાલુકામાં વધુ નુકસાન હોવાથી ત્યાં ૪૦ જેટલી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ ત્રણ તાલુકામાં ૧૬૮૧ હેક્ટર જમીન વિસ્તારમાં ૩૩ ટકાથી વધુ કપાસ તથા મગફળીના નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેના માટે ખેતીવાડી વિભાગે સરકાર પાસે ૧.૧૫ કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે.
કેશોદ, માણાવદર, વંથલી તથા માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ભર્યા છે. આથી હજુ છ હજાર હેક્ટર વિસ્તારમાં સર્વે કામગીરી બાકી છે. આગામી એક સપ્તાહ બાદ ત્યાં સર્વે થયા બાદ વધુ ગ્રાન્ટની માંગ કરવામાં આવશે.
આ સર્વે મામલે વિસાવદરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે તંત્ર જ ખેતરમાં પાણી ભર્યા હોવાનું સ્વીકારે છે. આથી આમાં સર્વેની શું જરૂર છે. ત્યાં પા પાણીમાં ડૂબી ગયેલો છે. તેને નુકસાનગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માંગ ઉઠી છે.