રોજે-રોજનું કમાતા જૂનાગઢના રિક્ષાચાલકોને લોકડાઉનના લીધે બે ટંક ભોજનના પણ ફાંફા
- છેલ્લા એક મહિનાથી રીક્ષાઓ બંધ, અસહ્ય નાણાંભીડ
- દિલ્હી સરકારે રિક્ષાચાલકોની આર્થિક મુશ્કેલી હળવી કરવા ખાતામાં પાંચ હજાર જમા કર્યા તે જ રીતે ગુજરાત સરકાર પણ મદદ કરે તેવી રીક્ષાચાલકોની માંગ
જૂનાગઢ, તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોના મહામારીના લીધે છેલ્લા એક મહિનાથી લોકડાઉન છે. ત્યારે રોજે-રોજનું કમાઈ પોતાનું ગુજરાન ચલાવતા રિક્ષાચાલકોની દયનીય હાલત થઈ છે અને બે ટંકના ભોજનના પણ ફાંફા થઈ ગયા છે. દિલ્હી સરકારે રિક્ષાચાલકોના ખાતામાં ૫ હજાર રૂપિયા જમા કરાવ્યા છે. તેમ ગુજરાત સરકાર પણ રિક્ષાચાલકોને સહાય આપે એવી માગ સાથે જૂનાગઢના રિક્ષાચાલક એશો.એ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે છેલ્લા એક માસથી સમગ્ર દેશમાં લોકડાઉન છે અને ધંધા-રોજગાર બંધ હોવાથી રોજે-રોજનું કમાઈને ગુજરાન ચલાવતા અનેક લોકોની દયનીય હાલત થઈ છે અને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
જૂનાગઢમાં લોકડાઉનનાં લીધે છેલ્લા એક માસથી સેકડો રિક્ષાચાલકો રોજગાર વગર બેઠાં છે અને બે ટંકના ભોજનના પણ ફાંફા થઈ રહ્યા છે. ચાલુ દિવસોમાં પણ મુશ્કેલી ભોગવતા રિક્ષાચાલકોની લોકડાઉનના લીધે દયનીય હાલત થઈ ગઈ છે. કોઈ સંસ્થા કે સરકાર તરફથી રિક્ષાચાલકોને કોઈ સહાય કરવામાં આવી નથી.
તાજેતરમાં દિલ્હી સરકારે રિક્ષાચાલકોના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા છે. આ રીતે ગુજરાત સરકાર પણ રિક્ષાચાલકોના ખાતામાં નાણાં જમા કરાવે એવી જૂનાગઢના એકતા રિક્ષાચાલક એસો.એ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.