અનલોક થતા જૂનાગઢ જિલ્લામાં બજારોમાં ઉમટી લોકોની ભીડ
- બે માસના લોકડાઉન બાદ સુમસામ બજારોમાં જનચેતનાનો સંચાર
- સવારે બસ સ્ટેન્ડથી મોતી બાગ તરફના રોડ તથા અન્ય મુખ્ય રસ્તાઓ પર થયો ટ્રાફીકજામ
જૂનાગઢ, તા. ૧ જૂન, ૨૦૨૦, સોમવાર
બે માસના લોકડાઉન બાદ આજથી અનલોક થતા જૂનાગઢ શહેર તથા તાલુકા મથકની બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી સવારે જૂનાગઢ બસ સ્ટેન્ડથી મોતીબાગ તરફના રોડ પર મોટી સંખ્યામાં વાહનોના લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે લોકડાઉન હતું આખરે બે માસ બાદ આજથી શરતો સાથે અનલોક થયુ છે. જૂનાગઢ મનપા તથા જિલ્લાના ન.પા. વિસ્તોરમાં સવારે ૮ થી સાંજે ૭ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારે ૮ થી સાંજે ૮ સુધી છુટછાટ આપવામાં આવી છે.
આથી આજે સવારથી જૂનાગઢ શહેર સહિત જિલ્લાના શહેરો ધમધમતા થયા હતાં. અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી માટે ઉમટી પડતા મુખ્ય બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.
સવારે વાહનોની કતારો થઈ જતા જૂનાગઢ બસ સ્ટેન્ડથી મોતીબાગ તરફના રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ ઉપરાંત જિલ્લાના તમામ એસ.ટી. ડેપોમાંથી મોટાભાગના રૂટ શરૂ થયા હતાં. અને લાંબા રૂટની બસ પણ દોડતી થઈ હતી.
આમ બે માસ સુધી લોકડાઉન રહ્યા બાદ આજથી જૂનાગઢ શહેર તથા જિલ્લો ધમધમતો થતા વેપારી સહિતના લોકોએ રાહત અનુભવી હતી.