Get The App

જૂનાગઢ જિલ્લામાંથી લેવાયેલા 165 સેમ્પલ્સનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ

- જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કેશોદના યુવાનનું લીવરની બીમારીથી મોત થયા બાદ તેનો કોરોનાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

Updated: Apr 13th, 2020

GS TEAM

Google News
Google News

- બે દિવસમાં લેવાયેલા તમામ સેમ્પલ નો નેગેટિવ રિપોર્ટ આવતા રાહત

જૂનાગઢ જિલ્લામાંથી લેવાયેલા 165 સેમ્પલ્સનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ 1 - image

જૂનાગઢ, તા.13 એપ્રિલ 2020, સોમવાર

જૂનાગઢ જિલ્લા તથા મનપા વિસ્તારમાંથી બે દિવસ દરમ્યાન ૧૬૫ સેમલ્પસ લેવાયા હતા. આજે રાજકોટથી આ તમામ સેમ્પલ્સના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જૂનાગઢમાં દાખલ કેશોદના એક યુવાનનું ગત રાત્રે લીવરની બીમારીથી મોત થયું હતું. તેનો આજે કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આજે મેંદરડાના એક વૃદ્ધાને શંકાસ્પદ લક્ષણ જણાતા તેના સેમ્પલ ભાવનગર મોકલાયા છે. 

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ આવ્યો ન હતો. આથી ગાંધીનગરથી વધુ સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી હતી. જેથી આરોગ્ય તંત્ર દ્વારા જૂનાગઢ મનપા વિસ્તારમાંથી ૫૪ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૧૧ સેમ્પલ્સ લીધા હતા અને આ સર્વેલન્સ બેઝડ સેમ્પલ્સને રાજકોટ મોકલ્યા હતા.

આજે સવારે ૧૬૫ માંથી ૭૬ સેમ્પલ્સનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે બપોર બાદ બાકીના ૮૯ સેમ્પલ્સનો પણ કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. આમ બે દિવસ દરમ્યાન જૂનાગઢ કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવતા આરોગ્યતંત્ર, વહીવટીતંત્ર અને જૂનાગઢ જિલ્લાના પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ ૧૯ વર્ષના એક યુવાનનું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ યુવાનનું ગત રાત્રે લીવર ફેઈલ થવાથી મોત થયું હતું. તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

આજે સવારે મેંદરડાના એક ૬૭ વર્ષીય મહિલાને શંકાસ્પદ લક્ષણ જણાતા તેના સેમ્પલ લઈ ભાવનગર મોકલવામાં આવ્યા છે. ડી.ડી.ઓ. અને નોડલ ઓફિસર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ કેસના ૨૬ સેમ્પલ ભાવનગર મોકલાયા હતા. તેમાંથી ૨૫ના કોરોનાના નેગેટીવ રિપોર્ટ આવ્યા છે. આજે મોકલેલા સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે. તેમજ સર્વેલન્સ બેઝડ સર્વે દરમ્યાન જિલ્લા તથા મનપા વિસ્તારમાંથી ૧૬૫ સેમ્પલ્સ લઈ રાજકોટ મોકલાયા હતા. તે તમામનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે.

Tags :