જૂનાગઢ મહાપાલિકા ચૂંટણી પૂર્વે ભાજપનું થઇ રહેલું કોંગ્રેસીકરણ
- પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા તેના ટેકેદારો ભાજપમાં જોડાયા
- ભાજપની સ્ક્રિપ્ટ મુજબ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ કામ કરતા હતાં
- કોંગ્રેસ નિરિક્ષક, કોંગ્રેસમાં જૂથવાદ ચાલતો હોવાથી ભાજપમાં જોડાયો: પૂર્વ કોંગ્રેસ પ્રમુખ
જૂનાગઢ, તા. 17 જુલાઈ 2019, બુધવાર
જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે આજે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા તેના ટેકેદારો ભાજપમાં જોડાયા હતા. આમ મનપા ચૂંટણી પૂર્વે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસમાં જૂથવાદ ચાલતો હોવાનું અને મવડી મંડળ દ્વારા સાંભળવામાં આવતું ન હોવાનું કહી ભાજપમાં જોડાયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના નિરીક્ષકે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ પર ભાજપની સ્ક્રીપ્ટ મુજબ કામ કરતા ર્હોવાનો આક્ષેપ કર્યો હતો.
જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણી ૨૧ જુલાઇના યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી પૂર્વે કોંગ્રેસને આજે વધુ એક ફટકો પડયો હતો. આજે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરા તથા તેની સાથે ૨૪ જેટલા હોદેદારો અને કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં ભાજપનો ખેંસ ધારણ કર્યો હતો.
જૂનાગઢ મનપાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ અને ફોર્મ પરત ખેંચવાના દિવસથી કોંગ્રેસના ૯ ઉમેદવારોએ ભાજપમાં જોડાઇ ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. અચાનક કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપનો વિકાસ જોઇ આપેલા સમર્થનથી અનેક સવાલ ઉઠયા હતાં ત્યાં આજે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ તથા ટેકેદારો ભાજપમાં જોડાયા છે. આમ જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જાણે ભરતી મેળો હોય તેથી સ્થિતી સર્જાઇ છે અને આ બાબતથી ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું હોવાનું લોકો અનુભવી રહ્યા છે.
ભાજપમાં જોડાયેલા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં મોવડી મંડળ દ્વારા જે ચિંતા થવી જોઇએ તે નથી થતી. તેમજ પાયાના કાર્યકરોને અન્યાય કર્યો છે. રજૂઆત કરવા છતાં કોઇ ધ્યાન ન આપવામાં આવ્યું નથી.
જ્યારે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક હેમાંગભાઇ વસાવડાએ જણાવ્યું હતું કે, વિનુભાઇને ચૂંટણી સમિતીની બેઠકમાં વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. તેના કહેવા મુજબ ટિકીટ આપી છે. પરંતુ તેઓ ભાજપની સ્ક્રીપ્ટ મુજબ કામ કરતા હતાં. જે ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું છે તે વિનુભાઇના સમર્થક છે. તેના કહેવાથી તેઓએ ભાજપને સમર્થન આપ્યું હોવાનું જણાવ્યું હતું. જે આજે તેઓ ભાજપમાં જોડાતા સાબીત થયું છે.
કોંગ્રેસના પતનની શરૂઆત જૂનાગઢથી થઇ છેઃ પ્રદેશ પ્રમુખ
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પતનની શરૂઆત જૂનાગઢથી થઇ છે. આગામી ૨૦૨૨ના વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષનું પદ પણ મેળવી નહીં શકે.
કેસરીયો ભ્રષ્ટાચારનું પ્રતિક બનતો જાય છેઃ કોંગી નિરીક્ષક
કોંગ્રેસના નિરીક્ષકે જણાવ્યું હતું કે, હવે કેસરીયો કલર ભ્રષ્ટાચારનું પ્રતિક બનતો જાય છે. આ કલર જોતા જ લોકોને મનમાં ભ્રષ્ટાચારની ઘંટડી વાગે છે.