જૂનાગઢમાં કોંગ્રેસે ભાજપનાં ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો, ભાજપે જૂના વચનોની કરી લ્હાણી
- મનપા ચૂંટણી પૂર્વે બંને પક્ષે કર્યો સંકલ્પપત્ર જાહેર
- ભ્રષ્ટાચાર સિવાયના ભાજપ અને કોંગ્રેસનાં સંકલ્પ પત્રમાં જાહેર કરેલા મોટા ભાગના મુદા સરખા
જૂનાગઢ,તા. 15 જુલાઈ 2019, સોમવાર
જૂનાગઢ મનપાની ચૂંટણી ભાજપ કોંગ્રેસે સંકલ્પ પત્ર જાહેર કર્યા હતાં. જેમાં ભાજપે જૂના વચનોની ફરી લ્હાણી કરી છે. કોંગ્રેસે મનપામાં થયેલા ભ્રષ્ટાચારને મુદો બનાવ્યો છે. ભ્રષ્ટાચાર સિવાયના ભાજપ અને કોંગ્રેસના સંકલ્પ પત્રમાં મોટા ભાગના મુદા એક સરખા જોવા મળ્યા હતાં.
જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણી આગામી તા.૨૧ જુલાઈનાં યોજાનાર છે. ત્યારે ચૂંટણી પૂર્વે આજે સવારે ભાજપના આગેવાનોએ મનપા ચૂંટણી અંગે સંકલ્પપત્ર જાહેર કર્યું હતું. જેમાં જણાવેલા મોટા ભાગના મુદા જેવા કે નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફિકેશન, રેલવે ફાટકનો પ્રશ્ન, વિલીંગ્ડન ડેમ, ઐતિહાસિક સ્થળોની હાલત સુધારવા, ઉપરકોટને સુવિધા યુક્ત બનાવવા, કાળવાના વોકળાને સ્વચ્છ બનાવવા જેવા જુના મુદે વચનોની લ્હાણી કરવામાં આવી છે. ગત પાંચ વર્ષ દરમ્યાન મનપામાં ભાજપનું શાસન હતું. પરંતુ સંકલ્પપત્રમાં જાહેર કરાયેલા મુદા પૈકીના મોટાભાગના પ્રશ્નો અંગે નક્કર કામગીરી થઈ નથી ને પ્રજા સમક્ષ ફરી એ જ પ્રશ્નો રિપીટ કરાયા છે.
જ્યારે ભાજપનું સેંકલ્પપત્ર જાહેર થયા પછી બપોર બાદ કોંગ્રેસે પણ પોતાનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું. જેમાં કોંગ્રેસે મનપામાં ભાજપના શાસન દરમ્યાન થયેલા ભ્રષ્ટાચારને મુદો બનાવ્યો છે અને કોંગ્રેસનું શાસન આવશે તો ભાજપના શાસનમાં જે ગેરરીતિ, ભ્રષ્ટાચાર થયો છે. તે અંગે તપાસ સમિતી બનાવી જવાબદાર પદાધિકારીઓ પાસેથી રિકવરી કરાશે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર ક રાયેલા સંકલ્પપત્ર મુજબ ભ્રષ્ટાચાર સિવાય બંને પક્ષના મોટાભાગના મુદાઓ એક સરખા છે. ચૂંટણી પૂર્વે હાલ રાજકીય પક્ષના આગેવાનો મત માટે પ્રજાજનોને જાત જાતના વચનોની લ્હાણી કરે છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમાંની કોઈ કામગીરી થતી નથી. ત્યારે આગામી સમયમાં સંકલ્પપત્રમાં છે. તેમાંના કેટલા કામ થાય છે? તે જોવું રહ્યું.