શરદી - ઉધરસના 56 હજાર, ઝાડા - ઉલ્ટીના 24 હજાર અને તાવના 7900 કેસ
- જૂનાગઢ જિલ્લામાં વકરેલો રોગચાળો
- પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના કારણે દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલ
જૂનાગઢ, તા.22 ઓગસ્ટ 2019, ગુરૂવાર
તાજેતરમાં થયેલા વરસાદ અને પછી વાદળછાંયા વાતાવરણના લીધે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો વકર્યો છે. અત્યાર સુધીમાં શરદી - ઉધરસના ૫૬ હજાર, ઝાડા - ઉલ્ટીના ૨૪ હજાર અને તાવના ૭૯૦૦ કેસ નોંધાયા છે. આ સ્થિતીમાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.
જૂનાગઢ જિલ્લામાં ગત ૨૦ જુલાઇથી સતત વરસાદ વરસ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે અને તડકો નીકળે છે. ત્રણ સપ્તાહ સુધી તો વાદળીયુ વાતાવરણ જ રહ્યું હતું. જેના કારણે જિલ્લામાં રોગચાળો વકર્યો છે. હાલ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. આ ચોમાસાની સિઝન દરમ્યાન અત્યાર સુધીમાં શરદી ઉધરસના ૫૬ હજાર, ઝાડા- ઉલ્ટીના ૨૪૭૨૦, તાવના ૭૯૧૪, કમળના ૧૦૩, મેલેરીયાના ૧૦૯ જેટલા કેસ નોંધાયા છે. આ તો સરકારી હોસ્પિટલમાં નોંધ થઇ તેના આંકડા છે. બાકી ખાનગી હોસ્પિટલની સંખ્યા ગણવામાં આવે તો આ આંકડા વધી શકે છે.
આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે છ લાખ જેટલી કલોરીનનું વિતરણ કર્યું છે. તેમજ શંકાસ્પદ મલેરીયાના લક્ષણ હતા. તેવા વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે. મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે સ્વચ્છતા રાખવી વાસણોમાં પાણીનો સંગ્રહ ટાળવો ઉપરાંત અવાવરૂ સ્થળે પાણીના ખાબોચીયા ન ભરાઇ તેની લોકો કાળજી રાખે એ જરૂરી છે.