- સોરઠમાં કોરોના મુક્તિની પ્રાર્થના સાથે પરશુરામ જયંતીની ઉજવણી
- બ્રહ્મ પરિવારો દ્વારા ઘરે - ઘરે દિપ પ્રાગટય
- જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા, તાલાલા સહિતનાં શહેરો - ગામોમાં આરાધ્યદેવનાં પુજન - અર્ચન
જૂનાગઢ, તા. 25 એપ્રિલ, 2020, શનિવાર
જૂનાગઢ જિલ્લામાં બ્રહ્મસમાજ દ્વારા આજે આરાધ્યદેવ પરશુરામ ભગવાન જયંતિની ઘરે રહીને ઉજવણી કરી હતી. જેમાં બ્રહ્મ પરિવારોએ ઘરે રંગોળી કરી આરતી કરી હતી. તેમજ રાત્રે દીપ પ્રગટાવ્યા હતાં. અને કોરોનામુક્તિની પ્રાર્થના કરી હતી.
* જૂનાગઢના પરશુરામ ફાઉન્ડેશન દ્વારા આજે પરશુરામ જયંતિ નિમીતે અતિ ગરીબ પરિવારના ૨૧ જેટલા વિદ્યાર્થીઓને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે શૈક્ષણિક સહાય આપવા દતક લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સંસ્થાના ચેરમેન શૈલેષભાઈ દવેએ જણાવ્યું હતું કે, સંસ્થાના તમામ સભ્યોના સહકારથી આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરવામાં આવશે.
*વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા વિસ્તારમાં પરશુરામ જન્મ જયંતી ભુદેવોના ઘેર ઘરે ઉજવાઈ હતી. અગાસી અને બાલ્કનીમાં દીપ પ્રાગટય કરાયું હતું. સાથે ઘંટારવ પણ કરાયો હતો અને કોરોના મહામારી નાશ થાય તે માટે ભુદેવો દ્વારા પ્રાર્થના કરાઈ હતી.
* તાલાલા વિસ્તારમાં પરશુરામ ભગવાની જન્મ જયંતિ સંપર્ણ સાદગી પૂર્વક ઉજવાઈ હતી. આ પ્રસંગે તાલાલા બ્રહ્મ સમાજના મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતીમાં પરશુરામ ભગવાનની પ્રતિમાનું પુજન સાતે મહાઆરતિ કરીને કોરોનાની મહામારી થી દેશને મુક્ત કરી લોકોની આરોગ્ય સુખાકારીનું જતન કરવા પ્રાર્થના કરવામાં આવી હતી.
આ ઉપરાંત બોરવાવ ગીર ગામે પરશુરામ જન્મ જયંતિ પ્રસંગે લોકોને કોરોનાથી સુરક્ષીત રાખવા ૧૨ જેટલી આયુર્વેદીક ઔષધી સાથે બનાવેલ ઉકાળો પોલીસ સહિતનાં કર્મચારીઓ તથા લોકોને ઘરે ઘરે કરી પીવડાવી ભગવાન પરશુરામ પાસે કોરોનાથી લોકોને સલામત રાખવાની પ્રાર્થના સાથે પરશુરામ જન્મ જયંતિ ઉજવાઈ હતી.