તાલાલા પંથકમાં 2 દિવસથી લાપતા યુવાનની ઘાતકી હત્યા, કપાયેલાં અવયવો મળ્યાં
- એક મહિલા સહિત 5 શખ્સોની સંડોવણી, 3 શકમંદ સકંજામાં
તાલાલા, તા. 25 એપ્રીલ 2020, શનિવાર
તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામે બે દિવસ પહેલાં લાપતા થયેલા સમીર દેવાભાઈ સોલંકી(ઉ.વ.૨૯)ની કરપીણ હત્યા થયાનું સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘાતકી હત્યારાઓએ એના શરીરના અવયવો કાપીને જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા હતા.
પોલીસની તપાસ દરમ્યાન બામણાસા ગીર માર્ગ પર આવેલા છેલાણા હનુમાનજી મંદિર સામે આવડ માતાજીની ધારમાંથી યુવાનનું માથું અને ધડ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યાં હતાં. ત્યાર બાદ વાડલા ગીરથી બામણાસા ગીર જતા રસ્તા પર વાડલા ગીર ગામના ખેડૂતની વાડીના બોરમાં યુવાનના હાથ અને પગ હોવાનું જાણવા મળતાં પોલીસ ત્યાં દોડી ગઈ હતી.
આ અવયવોને વધુ તપાસ માટે જામનગરની ફોરેન્સેસિક લેબમાં મોકલવામાં આવશે. આ ખૂન કેસમાં પ્રાથમિક તપાસ દરમ્યાન એક મહિલા સહિત ૫ શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. મહિલા સહિત ૩ શકમંદને સકંજામાં લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.