વંથલી અને કેશોદ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
- જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની
- અગાઉ 19 બેઠક થઈ હતી બિનહરીફ, બે બેઠક પર યોજાઈ હતી ચૂંટણી, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા આગામી સમયમાં થશે હોદ્દેદારોની વરણી
જૂનાગઢ,તા.7 જુન 2020 રવિવાર
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની અગાઉ 19 બેઠક બિનહરીફ થઈ હતી. જ્યારે કેશોદ અને વંથલી બેઠક પરની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બંને બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી.
જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરોની મુદ્દત પૂર્ણ થતા ગત માર્ચ માસમાં ચૂંટણી યોજાનાર હતી. 21 બેઠક ધરાવતી જિલ્લા-સહકારી બેંકની ચૂંટણી યોજાય તે પૂર્વે 19 બેઠક બિનહરીફ થઈ ગઈ હતી. જ્યારે કેશોદ તથા વંથલી બેઠક પર આ જૂથની ચૂંટણી યોજાનાર હતી. પરંતુ લોકડાઉનના લીધે આ બંને બેઠક પર ચૂંટણી મોકૂફ રહી હતી.
આજે જિલ્લા સહકારી બેંક ખાતે વંથલી અને કેશોદ બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કેશોદ બેઠક પરના તમામ 49 મતદારોએ મતદાન કર્યું હતું તો વંથલી બેઠક પર 49માંથી 47 મતદારોએ મતદાન કર્યું હતું.
ચૂંટણી બાદ મતગણતરી યોજાઈ હતી. જેમાં વંથલી બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશભાઈ વાલાભાઈ ખટારીયાને 38 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના મનસુખભાઈ પાડલીયાને માત્ર 9 મત મળ્યા હતા અને દિનેશભાઈની જીત થઈ હતી.
જ્યારે કેશોદમાં ભાજપનાં પૂંજાભાઈ માલદેભાઈ બોદરને 27 જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાઘુભાઈ સુરંગભાઈ વેગડને 22 મત મળ્યા હતા અને પૂંજાભાઈ બોદરની જીત થઈ હતી.
જિલ્લા સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા હવે ચેરમેન, એમ. ડી. સહિતના હોદ્દેદારોની વરણી માટે આગામી સમયમાં બેઠક યોજાશે.