જૂનાગઢનાં માંગનાથ રોડ પર ખરીદી કરતી બેંગ્લોરની મહિલાના 2.95 લાખની ઉઠાંતરી
- કપડાની ખરીદી કરતા હતા ત્યારે અજાણી મહિલા પર્સ તફડાવી ફરાર
- પર્સમાં આધાર-એટીએમ કાર્ડ, રોકડ અને દાગીના હતાઃ CCTV કેમેરાના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ
જૂનાગઢ, તા. 6 ડિસેમ્બર 2019, શુક્રવાર
જૂનાગઢના માંગનાથ રોડ પર આવેલી એક દુકાનમાં બેંગ્લોરના મહિલા ખરીદી કરવા માટે કપડા જોઈ રહ્યા હતા ત્યારે એક અજાણી આશરે ૪૫ વર્ષની મહિલાએ તેઓની નજર ચુકવી રોકડ તથા દાગીના સહિત ૨.૯૫ લાખની કિંમતની મતા સાથેના પર્સની ચોરી કરી નાસી ગઈ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેંગ્લોરના કનકપુરા રોડ પર સુરજગંગા એપાર્ટમેન્ટમાં રહેતા ધરતીબેન આનંદભાઈ ભટ્ટ (ઉ.વ. ૪૨) જૂનાગઢ આવ્યા હતા અને ગઈકાલે બપોરે તેઓ માંગનાથ રોડ પર ખરીદી કરવા માટે ગયા હતા. માંગનાથ રોડ પર સિલીવર શોપીંગ સેન્ટરમાં આવેલી મોનીકા લેડીસ વેરની દુકાનમાં તેઓ કપડાની ખરીદી કરવા માટે ગયા હતા.
તેઓએ પોતાના આધારકાર્ડ, એટીએમ કાર્ડ, ૨૫ હજાર રૂપીયા રોકડા તથા ૨.૭૦ લાખની કિંમતના દાગીના સહિત ૨.૯૫ લાખની કિંમતના દાગીના સાથેનું પર્સ બાજુમાં રાખ્યું હતું અને કપડા જોઈ રહ્યા હતા. ત્યારે આશરે ૪૫ વર્ષની એક અજાણી મહિલાએ ધરતીબેનની નજર ચુકવી ૨.૯૫ લાખની મતા સાથેના પર્સની ઉઠાંતરી કરી લીધી હતી અને ત્યાંથી નાસી ગઈ હતી.
બાદમાં ધરતીબેનને પોતાનું પર્સ ગાયબ હોવાની જાણ થતા ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ પર્સ મળ્યું ન હતું. આ અંગે પોલીસને જાણ કરતા એ ડિવીઝન પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને સીસી ટીવી કેમેરામાં તપાસ શરૂ કરી હતી. આ અંગે ધરતીબેન ભટ્ટે આશરે ૪૫ વર્ષની એક અજાણી મહિલા સામે ફરિયાદ કરતા પીએસઆઈ જે.એચ. કછોટે વધુ તપાસ હાથ ધરી છે.