Gujarat

જૂનાગઢ ભવનાથમાં રાત્રીનાં સમયે સાત વનરાજોની લટાર

By GS Team
11 Sep 20191 min read
This article was originally published on 11 Sep 2019
જૂનાગઢ ભવનાથમાં રાત્રીનાં સમયે સાત વનરાજોની લટાર

જૂનાગઢ, તા. 11 સપ્ટેમ્બર 2019, બુધવાર

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગત રાત્રીનાં સાત જેટલા સિંહ - સિંહણનું એક ગુ્રપ ચડી આવ્યું હતું અને રસ્તા પર આંટા ફેરા કર્યા હતાં. મોડી રાત્રીના સમયનો આ વિડીયો સોશ્યલ મિડીયામાં વાઈરલ થયો છે. હાલ જંગલમાં વરસાદના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેથી આ વનરાજો રહેણાંક વિસ્તાર સુધી ચડી આવતા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢના ગિરનાર જંગલમાંથી અવાર નવાર સિંહો ભવનાથ તળેટી તથા ગિરનાર રોડ પર આવી જાય છે. બે દિવસ પહેલા અશોક શિલાલેખ નજીક સિંહના ગુ્રપે એક ગાયનો શિકાર કર્યો હતો અને રસ્તા પર તથા ડિવાઈડર પર આંટા માર્યા હતાં.

જયારે ગત મોડી રાત્રીના સાત સિંહ સિંહણનું એક ગુ્રપ ભવનાથમાં ચડી આવ્યું હતું અને ભવનાથના મુખ્ય રસ્તા લટાર મારી હતી. આંટાફેરા કરતા આ સિંહોના ગુ્રપનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઈરલ થયો છે. 

છેલ્લા પંદર દિવસ જેટલા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે. જંગલમાં કાદવ ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ હોય છે. આથી મચ્છરોથી બચવા માટે સિંહો રસ્તા પર ચડી આવતા હોવાનું અનુમાન છે. ત્યારે કોઈ શિકાર મળે તો શિકાર પણ કરી લે છે. જૂનાગઢના ભવનાથમાં મંગળવારે મોડી રાત્રીના સાત સિંહો રસ્તા પર આંટા ફેરા કરતા જોવા મળ્યા હતાં.