Get The App

મુસાફરો ફ્લાઈટમાંથી ઉતરતાં જ નીલગાયે 'સ્વાગત' કરતાં ફફડાટ

Updated: Mar 4th, 2023

GS TEAM


Google News
Google News
મુસાફરો ફ્લાઈટમાંથી ઉતરતાં જ નીલગાયે 'સ્વાગત' કરતાં ફફડાટ 1 - image


કેશોદ એરપોર્ટ પર દિપડાએ દેખા દીધા બાદ હવે રોઝડાનો વસવાટ : ફ્લાઈટ લેન્ડ થતી હતી ત્યારે પ્રવેશદ્વારે નીલગાય અને બચ્ચું આંટા મારતા હતા છતાં તેને ખદેડવા તસદી નહીં લેવાતાં આશ્ચર્ય

જૂનાગઢ, : કેશોદ એરપોર્ટ પ્લેનની જેમ જ જંગલી પ્રાણીઓના આંટાફેરા વધી ગયા છે! એરપોર્ટ જંગલનો ભાગ હોય તેમ કેશોદ એરપોર્ટ પર અગાઉ દીપડો દેખાયો હોવાની વાતથી પિંજરાઓ મૂકવામાં આવ્યા હતા. હવે કેશોદ એરપોર્ટ ઉપર નીલગાયના ટોળા આંટા મારી રહ્યા છે. એક તરફ મુંબઈથી આવતી ફ્લાઈટ લેન્ડ થાય છે અને બીજી તરફ કેશોદ એરપોર્ટના પ્રવેશ દ્વારની અંદર નીલગાય ખોરાકની શોધમાં આંટાફેરા મારતા જોઈ મુસાફરો આશ્ચર્યચકિત થઈ જાય છે.

કેશોદ એરપોર્ટ પર આજે બપોરના બે વાગ્યા આસપાસ મુંબઈથી ફલાઈટ આવવાની હતી, જેની સંપૂર્ણ તૈયારીઓ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી હતી. તેવામાં અચાનક જ એરપોર્ટ પર દરરોજની જેમ નીલગાય આવી ચડી હતી. આ અંગે કેશોદ એરપોર્ટ ઓથોરિટીના તમામ જવાબદારોને પણ તેની માહિતી હતી પરંતુ તેને પકડવાની કે બહાર કરવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે આજે એક નીલગાય અને એક તેનું બચ્ચું આંટાફેરા મારતું હતું. કયારેક કયારેક એકી સાથે સાત-આઠની સંખ્યામાં નીલગાયનું ટોળું આ જ જગ્યા પર આંટાફેરા મારતું હોય છે.

કેશોદ એરપોર્ટને બદલે જંગલી પ્રાણીઓનું નિવાસસ્થાન બન્યું હોય તેમ અગાઉ દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગના અધિકારીઓ દ્વારા ત્રણથી ચાર દિવસ સુધી કેશોદ એરપોર્ટ પર પાંજરાઓ મૂકી દીપડાને પકડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ દીપડો પાંજરામાં કેદ થયો ન હતો. એ વાતને થોડા દિવસો બાદ જ આજે બપોરના સમયે નીલગાય એરપોર્ટ પર આવી જતા મુસાફરો અને મુસાફરોને લેવા માટે આવેલ લોકો નીલગાયને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એક તરફ જંગલી નીલગાય એરપોર્ટના પ્રવેશ દ્વારની અંદર આંટા મારી રહી હતી તે સમયે મુંબઈથી આવેલી ફલાઈટ રનવે પર લેન્ડિંગ કરી રહી હતી. એરપોર્ટ પર અવારનવાર નીલગાય આવી ચડે છે અને છતાં પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેને દૂર ખસેડવાની કે એરપોર્ટની બાઉન્ડ્રી બહાર કાઢવાની કોઈ કામગીરી ન કરવામાં આવતા અનેક સવાલો ઉઠયા છે. પ્રવાસીઓ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેતા હતા કેમ કે, નીલગાય અચાનક જ મુસાફરો પર હુમલો કરી બેસે તો કોણ જવાબદાર ?


Tags :