જૂનાગઢમાં પ્રૌઢને બંધક બનાવી 6.21 લાખ પડાવી લઇ વધુ બે લાખ માંગી ખંડણી
- મકાનનો સોદો કરી સુથી પેટે 21 હજાર આપી સાટા ખતમાં 12 લાખનું લખાણ કરાવી લીધું હતું
- 36.11 લાખમાં મકાનના વેચાણનો સોદો થયા બાદ થયો હતો કેન્સલ, પ્રૌઢે નોંધાવી સાત શખ્સો સામે ફરિયાદ, એસ.ઓ.જી. ને સોંપાઇ તપાસ
જૂનાગઢ, તા. 04 ફેબ્રુઆરી 2020 મંગળવાર
જૂનાગઢના રાયજીનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢના મકાનનો ૩૬.૧૧ લાખમાં સોદો કરી સુધી પેટે ૨૧ હજાર આપી સાટા ખતમાં ૧૨ લાખનું લખાણ કરાયું હતું. બાદમાં મકાનનો સોદો રદ થયો હતો. આથી સાત શખ્સોએ કાવતરૃં રચ્યું હતું અને પ્રૌઢને ગાડીમાં બંધક બનાવી ધમકી આપી ૬.૨૧ લાખ રુપિયા પડાવી વધુ બે લાખની ખંડણી માંગી હતી. આ મામલે ફરિયાદ થતા સી. ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ અંગેની તપાસ એસ.ઓ.જી.ને સોંપાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના રાયજીનગર વિસ્તારમાં રહેતા રાજેશકુમાર નાગજીભાઇ વસાણીનું મકાન ૩૬.૧૧ લાખમાં વેંચાતું લેવા જૂનાગઢના ભરત રબારીએ સોદો કર્યો હતો અને તેની સુધી પેટે ૨૧ હજાર રૃપિયા આપ્યા હતા. જેનું સાટાખતમાં ૧૨ લાખ રુપિયા રોકડા આપવાનું લખાણ થયું હતું. પરંતુ પૈસા આપ્યા ન હતા અને મકાનનો સોદો કેન્સર થયો હતો.
બાદમાં ભરત રબારી, લક્ષ્મીદાસ ઉર્ફે લખનબાપુ રામકૃષ્ણ દેવમુરારી, હરેશ રણછોડ સોનારીયા, પરેશભાઇ અને ત્રણ અજાણ્યા શખ્સોએ કાવતરૃં રચ્યું હતું અને ભરત રબારીએ રાજેશકુમાર વસાણીને તેની ગાડીમાં બંધક બનાવી ડરાવી ધમકાવી ગાળો આપી હતી અને મારી નાંખવા ધમકી આપી ખંડણી માંગી હતી અને રાજેશકુમાર પાસેથી ૬.૨૧ લાખ રુપિયા પડાવી લીધા હતા અને હજુ બે લાખ રૃપિયાની ખંડણીની માગણી કરી હતી.
૫-૧૧-૨૦૧૯ થી ૩-૨-૨૦૨૦ દરમ્યાન બનેલી આ ઘટના અંગે ગતરાત્રે રાજેશકુમાર વસાણીએ ફરિયાદ કરતા સી. ડિવીઝન પોલીસે ભરત રબારી, લક્ષ્મીદાસ ઉર્ફ ેલખનબાપુ દેવમુરારી, હરેશ રણછોડ સોનારીયા, પરેશ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આ અંગે એસ.ઓ.જી.ના પી.એસ.આઇ.ને તપાસ સોંપવામાં આવી છે.