આજે વિધીવત શરૂ થાય તે પૂર્વે અંદાજે અઢી લાખ યાત્રિકોએ કરી લીધી પરિક્રમા
- ગિરનાર જંગલમાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ
- 4.50 લાખ યાત્રિકોએ વટાવી લીધી નળ પાણીની ઘોડી, હજુ ભવનાથ તરફ અવિરત વહેત યાત્રિકોનો પ્રવાહ
જૂનાગઢ,તા. 18 નવેમ્બર 2018, રવિવાર
ગિરનારની પરિક્રમાનો આવતીકાલે તા. ૧૯ના રાત્રે વિધિવત પ્રારંભ થશે પંરતુ વિધીવત પરિક્રમા શરૂ થાય એ પૂર્વે આજે અંદાજે અઢી લાખ જેટલા યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી.
હજુ જૂનાગઢ શહેરથી ભવનાથ તથા પરિક્રમા રૂટ પર યાત્રિકોનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. હાલ જંગલ વિસ્તારમાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ રહી હતી. અને જંગલમાં મંગલનો માહોલ જામ્યો હોય તેવા દ્રસ્યો જોવા મળ્યા હતા.
જૂનાગઢના ગિરનારની વિધીવત પરિક્રમા આવતીકાલે તા. ૧૯ના સોમવારે કારતક સુધ અગીયારસના રાત્રીથી શરૂ થશે પરંતુ યાત્રિકોના ધસારાના લીધે બે દિવસ વહેલી પરિકમા શરૂ કરવી પડી હતી. આવતીકાલથી વિધીવત પરિક્રમા શરૂ થાય તે પૂર્વે આજે સાંજ સુધીમાં ૪.૫૦ લાખ જેટલા યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી હતી. અને તેમાંથી અંદાજે અઢી લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. તો હજાર યાત્રિકો પરિક્રમાના અંતિ પડાવ બોરદેવી ખાતે પહોંચી ગયા હતા. તેઓ સવાર સુધીમાં પરત ભવનાથ તળેટી પહોંચી જશે.
ગતરાત્રીતી જ જૂનાગઢના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કાળવા ચોક, મજેવડી દરવાજા સહિતના વિસ્તારોમાં પરિક્રમાર્થીઓનો ટ્રાફિક જોવા મળ્યો હતો. એસ.ટી. બસ, ટ્રેન, તેમજ કાનગી વાહનો ભરચક્ક આવ્યા હતા અને શહેરમાંથી યાત્રિકો ભવનાથ પહોંચ્યા હતા. અને પરિક્રમા રૂટની વાટ પકડી હતી. દિવસભર પરિક્રમા રૂટ તરફયાત્રિકોનો પ્રવાહ વહેતો રહ્યો હતો. અને ગિરનાર જંગલમાં તેમજ ભવનાથમાં હૈયે હૈયુ દળાય તેટલી ભીડ રહી હતી.
યાત્રિકોએ જંગલમાં હાથે ચા તથા ભોજન બનાવી વનવિભાગની મજા માણી હતી. તો અનેક યાત્રિકોએ અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી જઠરાગ્નિ બુજાવી હતા. હાલ જંગલમાં શાકભાજી, ફ્રુટ, પાણીની બોટલ, કરિયાણાની વસ્તુના સ્ટોલ પણ થઈ ગયા છે. જેના લીધે જંગલમાં મંગલનો માહોલ છવાયો છે.
ગત વર્ષ કરતા આ વર્ષે યાત્રિકોની સંખ્યા વધુ થાય તેવો અંદાજ છે. આવતીકાલે પરિક્રમા રૂટ પર જનાર યાત્રિકો કરતા પરિક્રમા કરી પરત ફરનારા યાત્રિકો વધુ હશે તવી શક્યતા છે.
હાલ તમામ યાત્રિકો રોજીંદી જીંદગીની ઘટમાળમાંથી મુક્ત થઈ પ્રકૃતિના ખોળે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા.
પરિક્રમમાં આવેલા બે વૃદ્ધ યાત્રિકોના મોત
ઝીણાબાવાની મઢી સામે કાળવાના વડલા પાસ આજે ટંકારા તાલુકાના દોહા ગામના નવઘણભાઇ સીડાભાઈ (ઉ.વ.૬૫)ને એટેક આવતા તેનું મોત મત થયું હતું. ગત રાત્રે મોરબીના એક વૃદ્ધનું નળ પાણીની ઘોડી નજીક એટેકથી મોત થયું હતું.
આમ પરિક્રમા દરમ્યાન બે યાત્રિકના મોત થયા છે.જ્યારે ગિરનાર પરિક્રમા કરવા આવેલા ફલ્લા ગામના ચંદુલાલ મોહનભાઈ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું આજે ભવનાથમાં મોત થયું હતું. આમ અત્યાર સુધીમાં કુલ ત્રણ યાત્રિકોના મોત થયા છે.