જૂનાગઢનાં ગલીયાવાડામાં મહિલાઓ વચ્ચે સશસ્ત્ર મારામારી, ત્રણને ઈજા
- અગાઉના હત્યાના મનદુ:ખના કારણે
- મોબાઈલ ફોન તથા 550 રૂપિયા લૂંટ કરી વાહન તથા મકાનના ડેલામાં તોડફોડ કર્યાની ફરિયાદ, બંને પક્ષના કુલ 19 સામે ગુનો દાખલ
જૂનાગઢ, તા. 05 ડિસેમ્બર 2019, ગુરુવાર
જૂનાગઢ તાલુકાના ગલીયાવાડા ગામમાં અગાઉના હત્યાના મનદુ:ખના કારણે બે પરિવારની મહિલાઓ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. જેમાં ત્રણથી વધુ મહિલાને ઈજા થઈ હતી. આ અંગે સામસામે ફરિયાદ થતા તાલુકા પોલીસે બંને પક્ષના કુલ ૧૯ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ગલીયાવાડામાં રહેતા મુસ્કાનબેન યુસુફભાઈ સીડા તથા તાહીરાબેન ફારૂકભાઈ સીડાના પરિવાર વચ્ચે વંથલી નજીક થયેલા ખુન બાબતે મનદુ:ખ ચાલતુ હતું. તેના કારણે ગઈકાલે તાહીરાબેન ફારૂક સીડા, તસ્લીમબેન ફારૂક, રસીદાબેન યુસુફ, હનીફાબેન હુસેન તથા અમીનાબેન કારાભાઈએ કુહાડીથી તથા પાઈપથી હુમલો કરી આશિયાનાબેનને માથામાં ગંભીર ઈજા કરી મારી નાંખવા ધમકી આપી હતી. જયારે સામાપક્ષે તાહીરાબેન ફારૂકભાઈ સીડાએ આશિયાના એહમદ, રોશનબેન આમદ, રસીદા મહમદ, રોશન આસીફ રિઝવાન ઈબ્રાહીમ, મેમુદા આમદ, સમીમ કાસમ, મુસ્કાન યુસુફ સાહીસ્તા યુસુફ સહિત ૧૩ સામે કુહાડી તથા પાઈપ વડે હુમલો કરી હનીફાબેનને ગંભીર ઈજા કરી તથા તસ્લીમાબેનના ફોનની તથા ૫૫૦ રૂપિયાની લૂંટ કરી વાહન તથા ડેલામાં તોડફોડ કર્યાની ફરિયાદ કરતા તાલુકા પોલીસે બંને પક્ષની દલીલના આધારે વધુ તપાસ હાથ ધરી છે.