જૂનાગઢમાં વધુ 40 વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા
- કોરોનાના પોઝીટીવ દર્દીઓ આવતા
- જૂનાગઢ જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 146 જેટલી થઈ
જૂનાગઢ, તા. 14 જુલાઈ 2020, મંગળવાર
જૂનાગઢ મનપા વિસ્તારમાં કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા તંત્ર દ્વારા વધુ ૪૦ વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જૂનાગઢ જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૬ જેટલી થઈ ગઈ છે.
જૂનાગઢ શહેર તથા જિલ્લામાં કોરોના કેસ રોજબરોજ વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે તંત્ર દ્વારા જ્યાં કેસ આવ્યા છે ત્યાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. જૂનાગઢ મનપા વિસ્તારના ચિતાખાના ચોક, પોલીસ હેડ ક્વાર્ટર, મધુરમ બાયપાસ, દોલતપરા, જોષીપરા, આદર્શનગર, ઝાંઝરડા રોડ પર જીવનધારા, શ્રીનાથનગર, ભાટીયા ધર્મશાળા રોડ, ગાંધીગ્રામ, સિંધી સોસાયટી રોડ, નંદનવન રોડ, જલારામ સોસાયટી, બિલખા રેડ સહિત શહેરના ૪૦ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યા છે. જ્યારે તેની આસપાસના વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ વધુ ૪૦ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાતા જૂનાગઢ જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૬ જેટલી થઈ ગઈ છે. રોજ વધી રહેલા કોરોનાના કેસના લીધે આરોગ્ય, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની દોડધામ વધી ગઈ છે.