Gujarat

અમદાવાદ, સુરતથી જૂનાગઢ જિલ્લામાં ઘૂસી ગયેલા સાત લોકો સામે ફરિયાદ

By GS Team
18 Apr 20202 mins read
This article was originally published on 18 Apr 2020
અમદાવાદ, સુરતથી જૂનાગઢ જિલ્લામાં ઘૂસી ગયેલા સાત લોકો સામે ફરિયાદ

જૂનાગઢ, તા.  18 એપ્રિલ, 2020 શનિવાર

અમદાવાદ, સુરત વિસ્તારમાંથી મંજૂરી વગર જૂનાગઢ જિલ્લામાં ઘુસી ગયેલા વધુ સાત લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. જ્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં હોમ ક્વોરોન્ટાઈન ભંગ બદલ એક પ્રૌઢ સામે ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત ઝાંઝરડા રોડ પર વોકિંગ માટે નીકળેલા ૧૬ વ્યક્તિ સહિત જિલ્લામાં ૨૬૦ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન અમલમાં છે અને અન્ય જિલ્લાના લોક જૂનાગઢ જિલ્લામાં ન ઘુસે તે માટે જિલ્લાની સરહદો સીલ હોવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ અન્ય જિલ્લામાંથી અમુક લોકો ચોરી-છુપીથી આડા રસ્તા પર થઈ જૂનાગઢ જિલ્લામાં ઘુસી ગયા છે. ગઈકાલે આવા નવ વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યારે અમદાવાદ, સુરત જેવા કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાંધથી જૂનાગઢના જોષીપુરા, ભેંસાણના બરવાળા, વંથલી તાલુકાના ટીકર માળીયા હાટીના તાલુકાના અમરાપુર તથા આંબલગઢ ગામે સુરતથી એક યુવાન ચોરી છુપીથી પહોંચી ગયો હતો. આમ અન્ય જિલ્લામાંથી કુલ સાત વ્યક્તિ જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ઘુસી જતા તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.

જ્યારે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં હોમ ક્વોરોન્ટાઈનનો ભંગ કરવા બદલ એક પ્રૌઢ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પોલીસે મોર્નિંગવોક પર નીકળતા અનેક લોકોને પકડયા હતાં. છતાં અમુક લોકોને જાણે સુધરવું જ ન હોય તેમ આજે પણ મોર્નિંગવોકમાં નીકળતા આવા ૧૬ શખ્સો સામે ગુનો  દાખલ કરાયો હતો. આ સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન વચ્ચે ઘરમાં રહેવાના બદલે બહાર નિકળી આંટા મારવા તથા રોડ પર એકત્ર થનાર કુલ ૨૬૦ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.