ભુગર્ભ ગટરના કામ બાદ ઉડતી ધુળની ડમરીથી પરેશાન વેપારીઓનો ચક્કાજામ
- જૂનાગઢના કાળવા ચોકથી જયશ્રી રોડ પર
- એક દિવસમાં ધુળ ઉપાડી પાણીનો છંટકાવ કરવા ખાતરી મળતા મામલો પડયો થાળે
જૂનાગઢ, તા. 24 ફેબ્રુઆરી 2020, સોમવાર
જૂનાગઢના કાળવા ચોકથી જયશ્રી રોડ પર ભુગર્ભ ગટરની પાઈપ લાઈન નાંખ્યા બાદ ધુળની ડમરી ઉડી રહી છે. જેનાથી આ રોડ પરના વેપારીઓ પરેશાન થી રહ્યા છે. આજે રોષે ભરાયેલા વેપારીઓ દુકાનો બંધ રાખી ચક્કાજામ કર્યો હતો.બાદમાં ધારાસભ્યોએ ત્યાં આવી મનપાના અધિકારીનો સંપર્ક કર્યો હતો. અને એક દિવસમાં ધુળ ઉપાડી પાણીનો છંટકાવ કરવા ખાતરી મળથા મામલો થાળે પડયો હતો.
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. પાઈપલાઈન નંખાયા ેબાદ ધુળની ડમરી ઉડી રહી છે. શહેરના મુખ્ય ગણાતા કાળવા ચોકથી જયશ્રી રોડ પર પણ પાઈપ લાઈન નાંખ્યા બાદ તેને વ્યવસ્થિત પુરવામાં ન આવતા છેલ્લા ઘણા દિવસોથી ધુળની ડમરીઓ ઉડી રહી છે.
ધુળની ડમરી ઉડતા રોડ પરના વેપારીઓ તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓ પરેશાન થઈ ગયા છે.
આજે સવારે રોષે ભરેયેલા વેપારીઓએ કાળવા ચોક થી જયશ્રી રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેના લીધે વાહન ચાલકોને ફરીને જવુ પડયું હતું. આ અંગે જાણ થતા ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ જઈ વેપારીઓને સમજાવ્યા હતા. અને ચક્કાજામ થી લોકો જ હેરાન થાય છે. બાદમાં મનપાના અધિકારીઓને જાણ કરી હતી. અને એક દિવસમાં ધુળ ઉપાડી લેવા અને પાણીનો છંટકાવ કરવા ખાતરી મળતા મામલો થાળે પડયો હતો. અને આ રસ્તો પૂર્વવત થયો હતો. મનપા દ્વારા તાકિદે આ રસ્તા પરથી ધુળની ડમરી ઉડતી બંધ કરવા વ્યવસ્થા નહી થાય તો ફરી આંદોલન કરવા ચિમકી આપવામાં આવી છે.