આજે ગિરનાર પર હોળી પ્રાગટય બાદ જૂનાગઢમાં ઠેર-ઠેર થશે હોલિકા દહન
- રંગ, પિચકારી સહિતની ખરીદી માટે બજારમાં નિરસ માહોલ
- ધુળેટીની જાહેરમાં ઉજવણી પર મનાઇ હોવાથી રંગ, પિચકારી સહિતની ખરીદી માટે બજારમાં નિરસ માહોલ
આવતીકાલે દર વર્ષની પરંપરા મુજબ ગિરનાર પર અંબાજી મંદિરે હોળી પ્રાગટય બાદ જૂનાગઢમાં ઠેર - ઠેર હોલી કા દહન થશે. આ વર્ષે કોરોનાના લીધે ધુળેટીની જાહેરમાં ઉજવણી પર મનાઇ હોવાથી કલર, પિચકારી સહિતની વસ્તુઓની ખરીદી માટે બજાર નિરસ માહોલ રહ્યો હતો.
આવતીકાલે ફાગણ સુદ પુનમ દર વર્ષની પરંપરા મુજબ હોળીની ઉજવણી થશે. સાંજે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર ખાતે શ્રીફળ, છાણામાંથી બનાવેલી હોળીનું પ્રાગટય થશે. ત્યારબાદ જૂનાગઢમાં જોષીપરા, ટીંબાવાડી, ઝાંઝરડા રોડ, દોલતપરા સહિતના વિસ્તારોમાં હોળી કા દહન થશે. અને લોકો હોળીના સ્થળે જઇ પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળ પધરાવાશે. જ્યારે જાણકારો હોળીની ઝાળની દીશા ઉપરથી આગામી ચોમાસાનું પૂર્વાનું માન કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં નાના ભુલકાઓની 'વાડ'ના પ્રસંગો યોજાશે.
ધુળેટી પર્વની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી પોલીસ બંદોબસ્ત રહેશે. કોરોનાના લીધે ધુળેટીની જાહેર ઉજવણી પર મનાઇ હોવાથી આ વર્ષે કલર, પિચકારી જેવી વસ્તુની ખરીદી માટે બજારમાં નિરસ માહોલ રહ્યો હતો.