ટ્રક ભાડે લીધા બાદ પૈસા ચુકવ્યા વિના બારોબાર વેચી નાખનાર દંપતિ ઝબ્બે
- જૂનાગઢ તથા પોરબંદરમાં કરી હતી છેતરપિંડી
- પાટણવાવમાંથી ત્રણ ડોગ લાવી તે પણ બારોબાર વેચી નાખ્યા હતા
બંટી-બબલી અગાઉ હની ટ્રેપના ગુનામાં પણ પકડાયા હતા
જૂનાગઢ, તા. 26 જૂન, 2020, શુક્રવાર
જૂનાગઢ તથા પોરબંદરમાંથી ટ્રક ભાડે અનેવેચાતો લઈ પૈસા નહીં આપી ટ્રક બારોબાર વેચી નાખતા દોલતપરાના દંપતિની સી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ બંટી-બબલીએ પાટણવાવમાંથી ત્રણ ડોગ લાવી તે પણ બારોબાર વેચી નાખ્યા હતા. આ દંપતિ અગાઉ હની ટ્રેપના ગુનામાં પણ ઝડપાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.,
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતા રાજસીભાઈ રણમલભાઈ મોઢા પાસેથી દોલતપરાનો ભરત દેવા કુછડીયા તથા તેની પત્ની રેખાબેન જી.જે.૧૧યુ ૮૮૩૧ નંબરનો ટ્રક માસિક ૫૦ હજારના ભાડા પેટે લઈ ગયા હતા. બાદમાં બંનેએ ટ્રકનું ભાડું આપ્યું ન હતું અને ટ્રક વેચી નાખ્યો હતો. આ અંગે રાજસીભાઈ મોઢાએ ફરિયાદ કરી હતી અને પીએસઆઈ એન. કે. વાજા સહિતના સ્ટાફે ભરત દેવા મુછડીયા અને રેખાબેન ભરત મુછડીયાને દોલતપરા વિસ્તારમાંથી પકડી લીધા હતા.
બંનેની પૂછપરછ કરતા કામધંધો ન હોવાથી ટ્રક રાજકોટ વેચી નાખ્યાની કબૂલાત આપી હતી. વધુ પૂછપરછમાં ભરત કુછડીયાએા રાજીવનગરમાં રહેતા મુકેશ મનજીભાઈ પરમારનો ટ્રક પણ ૧.૫૦ લાખમાં લઈ પૈસા ન આપી તે ટ્રક પણ વેચી નાખ્યો હતો. તે અંગે પણ ફરિયાદ દાખલ થઈ છે.
આ ઉપરાંત પાટણવાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પીજેન્દ્રભાઈ વાઢીયા પાસેથી ત્રણ ડોગ લઈ તે પણ બારોબાર વેચી નાખ્યા હતા. તેમજ પોરબંદરના દીપકભાઈ લાખાભાઈ ગરચર અને મહેશભાઈ સુભાષભાઈ ભુતૈયાનો ટ્રક પણ મેળવી લઈ છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હતી અને પાંચ ગુનાનો ભેદ ખુલ્યો હતો.
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ બંટી-બબલી ભૂતકાળમાં તાલુકા પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં પણ પકડાયા હતા. ભરત કુછડીયા એ-ડિવિઝનના મારામારી અને એટ્રોસિટીના ગુનામાં પકડાયો હતો. હાલ આ બંનેએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ ? તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હજુ વધુ ગુનાનો ભેદ ખુલે તેવી શક્યતા છે.