Get The App

મહિલા પર નિર્લજ્જ હુમલો કર્યા બાદ ત્રણ શખ્સો છરી બતાવી બાઈક લૂંટી ગયા

- જૂનાગઢ તાલુકાના ચોકી ગામની ચકચાર ઘટના

- ચા-પાણી પીધા બાદ મહેમાન થઈને આવેલા શખ્સોએ છેડતી કરી દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરતા મહિલાના આઠ વર્ષના પુત્રે ઘરની બહાર નીકળી બુમાબુમ કરતા લોકો એકઠા થઈ ગયા

Updated: Jun 3rd, 2020

GS TEAM

Google News
Google News
મહિલા પર નિર્લજ્જ હુમલો કર્યા બાદ ત્રણ શખ્સો છરી બતાવી બાઈક લૂંટી ગયા 1 - image


જૂનાગઢ,02 જુન 2020 મંગળવાર

જૂનાગઢ તાલુકાના ચોકી ગામમાં રહેતા એક મહિલા ઘરે હતા. ત્યારે તેના વડાલ રહેતા સબંધી તથા બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતાં.અને ચા - પાણી પી લીધા બાદ સબંધી સાથે આવેલા અજાણ્યા શખ્સે મહિલા પર નિર્લજ્જ હુમલો કર્યો હતો. બુમાબુમ થતા ત્રણેય શખસ બાઈક મુકી ત્યાંથી નાસી ગયા હતાં. બાદમાં કોમ્યુનિટી હોલ પાસે મહિલાના કુટુંબી ને છરી બતાવી તેનું બાઈક લૂંટી નાસી ગયા હતાં. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાનાં ચોકી ગામમાં રહેતા મહિલા ઘરે પોતાના આઠ વર્ષના પુત્ર સાથે ઘરે હતા. અને અન્ય સભ્યો બહારગામ ગયા હતાં. ત્યારે વડાલ રહેતા મહિલાના પિતાના મામાના દીકરા વિશાલ હીરજી કુંભાણી તથા બે અજાણ્યા 25થી 30 વર્ષના શખ્સો તેના ઘરે આવ્યા હતાં. મહિલાએ તેઓને ચા - પાણી પીવડાવ્યા હતાં. બાદમાં તેઓ પોતુ કરતા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે મહિલાની છેડતી કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો. ત્યારે વિશાલ તથા અન્યએક અજાણ્યા શખ્સે ઘરનો દરવાજો બંધ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાના આઠ વર્ષના પુત્રએ બહાર નીકળી બુમાબુમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતાં. અને વિશાલ કુંભાણી તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો જી.જે.10 સી.કયુ. 5248 નંબરનું બાઈક મુકી નાસી ગયા હતાં. 

આ ત્રણેય કોમ્યુનિટી હોલ પાસે બાઈક પર આવતા મહિલાના કુટુંબીને છરી બતાવી બાઈક લૂંટી નાસી ગયા હતાં.

આ અંગે મહિલાએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને જઈ પોતાના પિતાના મામાના પુત્ર વિશાલ હીરજી કુંભાણી તથા અન્ય બે શખ્સો સામે નિર્લજ્જ હુમલો કરી તથા પોતાના કુટુંબીનું છરી બતાવી બાઈક લૂંટી ગયાની ફરિયાદ કરતા પી.એસ.આઈ. વી.યુ. સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :