જૂનાગઢ, તા. 7 જુલાઈ 2019, રવિવાર
કેશોદ બાયપાસ રોડ પર ગત રાત્રીના કાર ચાલેક બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એકને ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો. આ રોડ પર રોજ બ રોજ અકસ્માત થાય છે. અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના નુરનારડા ગામમાં રહેતા મહેન્દ્રભાઈ દુર્લભભાઈ સોનારીયા (ઉ.વ.૨૭) તથા મોટી ધસારીના કિશનભાઈ ગોરધનભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) નામના બે યુવાનો જીજે ૧૧ બીપી ૩૨૦૫ નંબરના બાઈક પર વેરાવળથી કેશોદ તરફ આવી રહ્યા હતા.
તેઓ સોંદરડા બાયપાસ પાસે પહોંચ્યા ત્યારે જુનાગઢ બાયપાસ તરફ આવતી જીજે ૧૧ બીઆર ૦૪૧૯ નંબરની કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બંને યુવાનો ફંગોળાતા હતા. જેમાં મહેન્દ્રભાઈ સોનારીયાનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. જ્યારે કિશનભાઈ ચૌહાણને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.
આ અંગે નૂનારડાના મોહનભાઈ ગોવિંદભાઈ સોનારીયાએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે જીજે ૧૧ બીઆર ૦૪૧૯ નંબરની કારના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ રોડ પર અવાર-નવાર અકસ્માત થાય છે. અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ત્યારે આવા અકસ્માત ન થાય તે માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.


