જુનાગઢ: માંગરોળમાં પડ્યો કમૌસમી વરસાદ, બંદર પર પણ એક નંબરનું સિગ્નલ
અમદાવાદ, તા. 03 નવેમ્બર 2019, મંગળવાર
ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના ઉદભવી છે. સમુદ્રમાં એક લૉ પ્રેશર સર્જાયું છે. જે મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સિસ્ટમ આગામી 24 કલાકમાં વધારે મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે.
આજે જૂનાગઢના માંગરોળમાં કમૌસમી વરસાદ પડ્યો છે અને માળિયા હાટિનામાં પણ હળવો વરસાદ પડ્યો. આ ઉપરાંત કેશોદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડુતો ચિંતામાં મુકાયા છે. માંગરોળના બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. આ સિવાય અમરેલીના પીપાવાવ અને જાફરાબાદ બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહી ખેડવાની સૂચના આપવામાં આવી છે. માંગરોળ બંદરમાં અગિયારસો જેટલી બોટો છે. જેમાંથી દરિયામાં કેટલી બોટ છે તેની તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના લીધે સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં માવઠાની શક્યતા છે, તેમાં પણ ખાસ કરીને દરિયાકિનારા જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વધારે છે.
વરસાદના કારણે ઘઉં, ડુંગળી, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ અગાઉ સતત વરસાદથી મગફળી અને બાદમાં ઈયળના ઉપદ્રવથી કપાસનો પાક નિષ્ફળ ગયો હતો.