ઉનાના માજી ધારાસભ્ય પરના ફાયરીંગના આરોપીઓ પાસેથી મળ્યો મોબાઈલ ફોન
- જૂનાગઢ જિલ્લા જેલમાં રહેલા
- જૂનાગઢ તથા ગીર સોમનાથ પોલીસને મળેલી બાતમીના આધારે કરેલી તપાસમાં ફોન મળતા ચાર આરોપી સામે એ ડિવીઝનમાં ફરિયાદ
જૂનાગઢ, તા. 17 જૂન, 2020, બુધવાર
ઉનાના પૂર્વે ધારાસભ્ય પર તાજેતરમાં ફાયરીંગ થયું હતું. આ ફાયરીંગ કેસના ચાર આરોપી હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં છે. જૂનાગઢ તથા ગીર સોમનાથ એલ.સી.બી.તથા એસ.ઓ.જી. ના સ્ટાફે બાતમીના આધારે જેલમાં તપાસ કરતા આ આરોપીઓ પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો. આ મામલે ચારેય આરોપી સામે એ ડિવીઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
થોડા સમય પૂર્વે ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ સહિતનાઓ પર ફાયરીંગ થયું હતું. આ ફાયરીંગ પ્રકરણમાં પોલીસે યોગેશ ભગવાન બાંભણીયા, ચિંતન મુકેશ ગઢીયા, જીજ્ઞોશ મનુ બાંભણીયા અને સંજય ભગવાન બાંભણીયાને પકડયા હતા. હાલ આ ચારેય શખ્સો જૂનાગઢ જેલમાં છે.
જેલમાં રહેલા આ શખ્સો પાસે મોબાઈલ ફોન હોવાની ગીર સોમનાથ એલ.સી.બી.ના પી.એસ.આઈ. કે.જી. ચૌહાણને બાતમી મળી હતી. આથી ગઈ કાલે સમાજં જૂનાગઢ તથા ગીર સોમનાથ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના સ્ટાફ જૂનાગઢ જેલમાં સલામતી યાર્ડમાં ખોલી નં-૩માં તપાસ કરતા આ ચારેય શખ્સોના સામાન સાથે એક મોબાઈલ ફોન મળ્યો હતો.
આ અંગે જૂનાગઢ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. જે.એમ વાળાએ ફરિયાદ કરતા એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.