Get The App

જૂનાગઢના ગાંઠીલા ગામ પાસે ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈ, પાંચનાં મોત

- ગાડી એટલી ઝડપે અથડાઈ કે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો

- કારમાં ચગદાઈ ગયેલાં લોકોના મૃતદેહ પતરા તોડી કાઢવા પડયા

Updated: Aug 30th, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢના ગાંઠીલા ગામ પાસે ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈ, પાંચનાં મોત 1 - image


જૂનાગઢ, તા. 29 ઓગસ્ટ 2019,ગુરૂવાર

જૂનાગઢ- મેંદરડા રોડ પર આવેલી ગાંઠીલા ચોકડી નજીક ગત મોડી રાત્રે સાસણ તરફથી પૂર ઝડપે આવતી એક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પોલ સાથે અથડાઈ ફંગોળાઈ હતી.જેમાં ત્રણ યુવાન તથા બે યુવતી મળી કુલ પાંચના મોત થયા હતા. જ્યારે અન્ય બે ને ઈજા થતા જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં લકઝુરિયસ કારનો બુકડો થઈ ગયો હતો. ત્રણ યુવાન તથા બે યુવતીના મોતથી ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ટીંબાવાડી બાયપાસ વિસ્તારમાં રહેતા ઈશાંત સલીમભાઈ ચંદાણી (ઉ.વ.૧૯), એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉ.વ.૨૫), ભાવિક કાળુભાઈ મકવાણા (ઉ.વ.૨૪), પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉ.વ.૨૦) તથા વેરાવળની કુંજબેન પ્રદીપગીરી અપારનાથી (ઉ.વ.૨૦) સહિત સાત જેટલા લોકો જી.જે.૧૧ સીડી ૦૦૦૧ નંબરની લકઝુરિયસ કારમાં ગત રાત્રે નવ વાગ્યા આસપાસ સાસણ નજીક આવેલા ફાર્મ હાઉસ ખાતે જમવા જવાનું હોવાથી ત્યાં ગયા હતા. પરંતુ ત્યાં ફાર્મ હાઉસ ખાતે કોઈએ ફોન રિસીવ ન કરતા તેઓ મોડી રાત્રીના સાસણથી જૂનાગઢ આવવા નીકળ્યા હતા. 


રાત્રે દોઢેક વાગ્યા આસપાસ આ કાર જૂનાગઢ-મેંદરડા રોડ પર ગાંઠીલા ચોકડી નજીક પહોંચી ત્યારે કારના ઈશાંત ચંદાણીએ વળાંકમાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પોલ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. બાદમાં ફંગોળાઈ હતી. જેમાં ઈશાંત સલીમભાઈ ચંદાણી (ઉ.વ.૧૯), એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉ.વ.૨૫), ભાવિક કાળુભાઈ મકવાણા (ઉ.વ.૨૪), પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉ.વ.૨૦)તથા વેરાવળની કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉ.વ.૨૦)નું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળેજ મોત થયું હતું. 

જ્યારે સુનિલ પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ.૨૪) તથા સમન સલીમભાઈ (ઉ.વ.૧૫)ને ગંભીર ઈજા થતા ૧૦૮માં સારવારમાં ખસેડાયા હતા.

આ અંગે જાણ થતા અકસ્માતનો ભોગ બનનારના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. અને કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા અને ઈજાગ્રસ્ત થયેલા સુનિલ  પ્રવિણભાઈ સોલંકીએ ફરિયાદ કરતા વંથલી પી.એસ.આઈ. એન.બી.ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે. 

આ અકસ્માત એેટલો ભયંકર હતો કે જેમાં લકઝરીયસ કારનો બુકડો થઈ ગયો હતો. ત્રણ યુવાન અને બે યુવતી મળી કુલ પાંચના મોતની ઘટનાથી ગમગીની વ્યાપી ગઈ હતી. 

કારના પતરા તોડી મૃતદેહ કાઢવા પડયા
પૂરઝડપે જતી કાર પોલ સાથે અથડાયા બાદ ગોથા મારી ગઈ હતી.  કારના આગળ તથા પાછળના ભાગનો બુકડો થઈ ગયો હતો.  મૃતદેહોને કારના પતરા તોડી બહાર કાઢવા પડયા હતા.

કારની સ્પીડ 120થી પણ વધુની હતી
જે કારનો અકસ્માત થયો તેની સ્પીડ ૧૨૦ કરતા પણ વધુ હતી.  વળાંક આવતા કાર પર કાબુ ન રહ્યો અને આ અકસ્માત થયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. 

Tags :