જામનગરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ 15 દિસવમાં 651 ઇ-મેમા
- સીસી ટીવી કેમેરા મારફતે રખાતી બાજ નજર
- 110 કેસમાં 33100ના દંડની વસૂલાતઃ સરનામા બદલી ગયા હોઈ 103 ઇ-મેમા આવ્યા પરત
જામનગર, તા. 02 માર્ચ 2020, સોમવાર
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ૩૧૫ થી વધુ સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવ્યા છે અને તેનું કમાન્ડ કન્ટ્રોલ રૂમમાંથી મોનીટરીંગ કરીને ઇ-મેમા આપવાનું શરૂ કરાયું છે જેના ભાગરૂપે એક પખવાડીયા દરમ્યાન ત્રણ સવારી બાઇકમાં નિકડેલા અને ચાલુ વાહને મોબાઇલ વાત કરનારા વાહન ચાલકો સામે ૬૫૧ કેસ કરાયા છે. અને તેઓના ઇ-મેમા સ્પીડ પોસ્ટ મારફતે મોકલાયા છે જે પૈકી ૧૧૦ ઇ-મેમા મારફતે રૂા. ૩૩,૧૦૦/-ની દંડની વસુલાત થઇ ચુકી છે જયારે ૧૦૩ ઇ-મેમા સરનામાના અભાવે પરત ફર્યા છે.
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નેત્રમ પ્રોજેકટ હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારમાં લગાવવામાં આવેલા ૩૧૫ થી વધુ સી.સી.ટી.વી. કેમેરાઓ મારફતે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને ત્રણ સવારી બાઇકમાં નિકડેલા ઉપરાંત ચાલુ મોબાઇલ પર વાત કરનારા ૬૫૧ વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા છે અને તેઓના ઇ-મેમા તૈયાર કરી સ્પીડ પોસ્ટ મારફતે પ્રત્યેક વાહનચાલકોને ઘેર મોકલી દેવાયા છે જે પૈકી ૪૫૧ મોબાઇલમાં વાત કરનારા અને ૨૦૦ વાહન ચાલકો ત્રણ સવારીમાં બાઇક પર નિકડેલા વાહન ચાલકોનો સમાવેશ થાય છે. જે પૈકી ૧૧૦ વાહન ચાલકોએ પોતાના ઇ-મેમાની રૂા. ૩૩,૧૦૦ની દંડની રકમ જુદા જુદા ત્રણ કલેકશ સેન્ટરો સીટી બી ડીવી. વિસ્તારમાં આવેલા માસ્ટર કમાન્ડ કન્ટ્રોલ રૂમ કેસ બારી, સીટી સી ડીવી. અને પંચ કોશી બી ડીવી. (ધુંવાવ) ની કેશ બારીમાં જમા કરાવ્યા છે જે પૈકી ૨૫ ઇ-મેમા ઓનલાઇન પણ ભરાયા છે.
આ ઉપરાંત ૧૦૩ જેટલા ઇ-મેમાઓ વાહન ચાલકોના સરનામા બદલી ગયા હોવાથી પરત આવ્યા છે. જેથી તેઓના સરનામા ફરિથી શોધી કાઢી તેની બજવણી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એક ઇ-મેમો વડોદરાનો આવ્યો હોવાથી વડોદરાના સરનામે સ્પીડ પોસ્ટ કરવામાં આવ્યું હતું પરંતુ તેનું સરનામું બદલાયું હોવાથી ઇ-મેમો પરત આવ્યો છે. જેના નવા સરનામાની શોધખોળ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ શરૂ થઇ રહી હોવાથી પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્કુલ ડ્રેસમાં દેખાય અથવા તો આવા વિદ્યાર્થીઓના વાલીઓ જડપ ભેર અથવા ત્રણ સવારીમાં પરિક્ષા સ્થળે મુકવા જતા હોય તેવા વિદ્યાર્થીઓ અથવા તેના વાલીઓ સામે એક સપ્તાહ દરમ્યાન કોઇ કેશ નહિ કરવા પણ નિર્ણય લેવાયો છે.