પાલિકાના ઉપપ્રમુખ સહિત 4 સભ્યોની રાજીનામાની ચીમકી
- વિસાવદરની શાકમાર્કેટમાંથી ગેરકાયદે કેબીન હટાવો
- નગરપાલિકાના શાસકો દ્વારા ગેરકાયદે લોખંડની કેબીન ખડકી દેવામાં આવી હોવાથી મહિલાઓની મર્યાદા નથી જળવાતી
વિસાવદર, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૦, સોમવાર
વિસાવદર કોંગ્રેસ શાસિત નગરપાલિકા હસ્તકની શાકમાર્કેટમાં ગેરકાયદેસર મૂકવામાં આવેલી કેબીનને લઈ ચાલતો આંતરિક ડખ્ખો હવે ચરમસીમાએ પહોંચ્યો છે જેમાં તાત્કાલિક કેબીન હટાવવાની માંગ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના જ ચાર સદસ્યોએ આંદોલન કરવાની સાથોસાથ રાજીનામાં આપવાની ચીમકી આપતા નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વિસાવદર શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શાકમાર્કેટના લે-આઉટ પ્લાન માં પાકગ માટે ખુલ્લી મૂકવામાં આવેલી જગ્યામાં નગરપાલિકાના જ શાસકો દ્વારા ગેરકાયદેસર લોખંડની કેબીન બનાવી નાખવામાં આવી છે જેના લીધે શાકમાર્કેટમાં શાકભાજી ખરીદી કરવા માટે જતી મહિલાઓને માટે રસ્તો ખૂબ જ સાંકડો બની ગયો છે મહિલાઓની મર્યાદા ન રહેતી હોય તેવું કારણ જણાવી નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત કુલ ૪ સદસ્યોએ પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિતમાં આપી તાત્કાલિક ગેરકાયદેસર કેબિન દૂર કરવાની માંગ કરવામાં આવી છે
ચીફ ઓફિસર અને પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ નગરપાલિકાના શાસકોને આ બાબતે અનેક વાર મૌખિક રજૂઆત કરવા છતાં કેબિન હટાવવા માટેના માત્ર ઠાલા આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે જેથી અનેક મહિલાઓ તથા શહેરના અગ્રણીઓ દ્વારા આ બાબતે લેખિત મૌખિક ફરિયાદ કરવા છતાં કેબીન હટાવવામાં નહીં આવતાં ઉપપ્રમુખ સહિત ચાર કોંગી સદસ્યોએ નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન કરવાની સાથોસાથ નગરપાલિકાના સભ્ય તરીકે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે.
થોડા દિવસો પહેલા લોકડાઉનના ના સમય દરમિયાન રાતોરાત ગેરકાયદેસર કેબીન ઊભી કરવામાં આવી ત્યારે વિરોધ પક્ષ ભાજપ દ્વારા પણ ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત અધિકારી, નગરપાલિકા નિયામક સહિતનાઓને ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી કેબિન દૂર કરવામાં નહીં આવતા હવે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના શાસકો સામે ખુદ કોંગ્રેસના જ ઉપપ્રમુખ સહિતના નગરસેવકોએ બંડ પોકારતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે કોંગ્રેસના સદસ્ય રાજીનામું આપશે કે ગેરકાયદેસર કેબીન હટાવવામાં આવશે તે મુદ્દે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.