જૂનાગઢ મહાપાલિકા દ્વારા દર વર્ષે પરચુરણ ખર્ચ 30 લાખ !
- ચા, નાસ્તા, આઈસ્ક્રીમ, મોબાઈલ જેવા ખર્ચ માટે
- પરચુરણ ખર્ચના નામે ચુકવાયેલા બીલની નકલ જાહેર કરવાની માંગ સાથે મેયર-કમિશનરને રજૂઆત
જૂનાગઢ, તા. 24 જુલાઈ, 2020, શુક્રવાર
જૂનાગઢ મનપામાં ચા, પાણી, નાસ્તા, આઈસ્ક્રીમ, મોબાઈલ રીપેરીંગ જેવા ખર્ચ માટે દર વર્ષે ૩૦ લાખ રૂપિયા પરચુરણ ખર્ચ માટે વાપરવામાં આવે છે. આ પરચુરણ ખર્ચના નામે ચુકવાયેલા બીલની નકલ જાહેર કરવામાં આવે એવી માગણી સાથે કોંગી નગરસેવકે મેયર-કમિશનરને રજૂઆત કરી છે.
જૂનાગઢ મનપા દ્વારા પરચુરણ ખર્ચ એકાઉન્ડ હેડ નં. ઈ-૪માં દર વર્ષે ૩૦ લાખ જેવી માતબર રકમ વપરાય છે. ચા, પાણી, નાસ્તા, ઠંડાપીણા, આઈસ્ક્રીમ, મોબાઈલ રીપેરીંગ જેવા ખર્ચ જે બજેટમાં કરવાના કોઈ હેડ નથી. તેવા ખર્ચ આ હેડમાં ઉધારી સાચા-ખોટા બીલનો ચુકાદો કરવામાં આવે છે. દર વર્ષે ઓડીટ પણ થાય છે. આ તમામ ખર્ચ પ્રજાના વેરાના નાણામાંથી થાય છે.
આ અંગે વોર્ડ નં.૪ના કોંગ્રેસના મહિલા નગરસેવકે ભ્રષ્ટાચાર કરવાના ખર્ચને આ હેડમાં ઉધારી સાચા-ખોયા બીલનો ચુકાદો કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે ૨૦૧૪-૧૫માં ૨૦.૧૨ લાખ, ૨૦૧૫-૧૬માં ૨૩.૬૧ લાખ, ૨૦૧૬-૧૭માં ૨૨.૬૪ લાખ, ૨૦૧૭-૧૮માં ૨૮.૬૫, ૨૦૧૮-૧૯માં ૩૦.૦૨ લાખ અને ૨૦૧૯-૨૦માં ૨૮.૪૪ લાખ પરચુરણ ખર્ચ પેટે વાપરવામાં આવ્યા છે.
મનપાએ હાઉસ ટેક્ષ તથા પાણીવેરામાં વધારો કર્યો છે, પરંતુ પોતાના ખર્ચમાં ઘટાડો કર્યો નથી. આથી મહિલા નગરસેવકે પરચુરણ ખર્ચના જે બીલ ચુકવાયા છે તેની નકલ જાહેર કરવા મેયર તથા કમિશનરને રજૂઆત કરી છે.