કેશોદ યાર્ડમાંથી ટેકાના ભાવે ખરીદ થયેલી 1700 ગુણી મગફળી રિજેકટ
- નબળી ગુણવત્તાની મગફળી હોવાથી
- ગ્રેડરોએ પાસ કરેલી મગફળીના ચાર ટ્રક રિજેકટ થઈ પરત આવતા ઉઠતા અનેક સવાલો : ગ્રેડરોએ ખરીદી માટે પાસ કર્યા બાદ ગોલમાલ થયાની આશંકા
જૂનાગઢ, તા.25 જાન્યુઆરી 2020, શનિવાર
કેશોદ માર્કેટયાર્ડમાંથી ટેકાના ભાવે ખરીદ થયેલી૧૭૦૦ ગુણી મગફળી ચાર ટ્રકમાં રાજકોટ જિલ્લાના ગોડાઉનમાં મોકલવામાં આવી હતી. પરંતુ આ મગફળી નબળી ગુણવતાની હોવાથી ત્યાંથી રિજેકટ થઈ હતી. આ મગફળી ગ્રેડરોએ પાસ કરી હતી. પરંતુ આ મગફળી રિજેકટ થતા ખરીદી અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ મગફળીમાં ગ્રેડરોએ પાસ કર્યા બાદ કંઈક ગોલમાલ થયાની આશંકા છે.
કેશોદ માર્કેટીંગ યાર્ડમાં હાલ ટેકાના ભાવે મગફલીની ખરીદી થઈ રહી છે. આ ખરીદી કેન્દ્ર ખરીદી પ્રક્રિયાને લઈ અવાર નવાર ચર્ચામાં રહ્યું છે અને અનેક વખત ખેડુતોએ હોબાળો પણ કર્યા છે.
કેશોદ યાર્ડમાં આવેલા ખરીદ કેન્દ્રમાંથી જે મગફળી ખરીદ કરવામાં આવી છે તેની ગ્રેડરોએ તપાસ કરી હતી. અને પાસ થયા બાદ ખરીદી થઈ હતી. પરંતુ કેશોદ યાર્ડ ખાતે આવેલા ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પરથી ખરીદ થયેલી ૧૭૦૦ ગુણી જેટલી મગફળી ચાર ટ્રકમાં રાજકોટ જિલ્લાના જેતપુર નજીકના ગોડાઉનમાં મોકલવામાં આવી ત્યારે આ મગફળીની ગુણવતા નબળી હોવાથી ત્યાં રિજેકટ થઈ હતી. આથી આ મગફળી ભરેલા ટ્રક પરત આવ્યા હતાં.
ગ્રેડરોએ તપાસ કર્યા બાદ ખરીદ કરવામાં આવેલી મગફળી ગોડાઉનમાં મોકલાતા ત્યાંથી રિજેકટ થઈ આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે આ મામલે તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ગ્રેડરોએ મગફળીના નમૂના લઈ પાસ કરી દીધા બાદ નબળી ગુણવતાવાળી મગફળી ધાબડી દેવામાં આવી હોાનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજકીય ભલામણો કરી અધિકારીઓ પર દબાણ કરી નબળી ગુણવતાની મગફલી ટેકાના ભાવે પધરાવાઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે ટેકાના ભાવે મગપળીની ખરીદી પ્રક્રિયા પારદર્શનક રીતે થતી હોવાના દાવાઓ સામે સવાલો ઉઠી રહ્યાં છીએ.