બેમાસમાં 19 સાવજના મોત બાદ 17 સિંહને રખાયા નિરીક્ષણ હેઠળ
- ધારી ગીર પૂર્વ વિસ્તારમાં સિંહો માથે ઘાત, જંગલનો રાજા ફરી મુસીબતમાં
- નિરીક્ષણમાં રખાયેલા સિંહોને હિમોગ્લોબીનની ઉણપનું કારણ દર્શાવતો વન વિભાગ
વિસાવદર, તા. 20 એપ્રિલ, 2020, સોમવાર
ધારી ગીર પૂર્વ વિસ્તાર સિંહો માટે ઘાત સમાન સાબિત થતો હોય તેમ બે માસની અંદર ૧૯ સિંહોના ટપોટપ મોત થઈ ગયા છે, જેમાંથી અમુક સિંહોના મોત શંકાસ્પદ હતા.હવે વન વિભાગ હરકતમાં આવ્યો હોય તેમ ૧૭ સિંહોને જસાધાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે નિરીક્ષણમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી એક બાળ સિંહની હાલત વધુ ગંભીર બનતાં તેને સારવાર માટે જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવ્યું છે. નિરક્ષણ માં રાખેલા સિંહોને હિમોગ્લોબીનની ઊણપ હોવાના વનતંત્ર દાવો કરી રહ્યું છે.
, એક બાળ સિંહને વધુ સારવાર માટે જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં મોકલાયું
ધારી ગીરપુર્વમા દોઢ વર્ષ પહેલા દલખાણીયા રેંજમાં કેટલાય સિંહોના અલગ-અલગ કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા અને કેટલાય સિંહોના સારવાર દરમિયાન મોત થયા બાદ વન તંત્ર સિંહોને કેનાઈન ડિસ્ટેમ્પર નામનો વાઇરસ લાગુ પડયે હોવાનું શોધવામાં સફળ રહ્યું હતું. તેવી જ રીતે ફરીવાર તુલસીશ્યામ જસાધાર સહિતની અન્ય રેન્જમાં મળી બે માસમાં સિંહ, સિંહણ અને બાળ સિહોના ટપોટપ મોત થયા છે. જેમાંથી ઘણાખરા સિંહોનો ભેદી મોત થયા છે. આ મોતનું કારણ વન વિભાગ રાબેતા મુજબ છુપાવી રહ્યું છે પરંતુ સિંહોના મોતનો સિલસિલો ચાલુ રહેતા તુલસીશ્યામ રેન્જની રબારીકા રાઉન્ડમાં બે દિવસની અંદર ૧૬ સિંહોને અને એક જસાધાર વિસ્તારમાંથી સિંહ ને પકડી જસાધાર એનીમલ કેર હોસ્પિટલ ખાતે નજરકેદ કર્યા છે.
વન વિભાગના સુત્રો ની વાત મુજબ સિહો માં ફરી કેનાઈન ડિસ્ટેમ્પર જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે પરંતુ વનવિભાગના અધિકારીઓ નિરક્ષણમાં રાખેલા સિંહોને હિમોગ્લોબીનની ઊણપ હોવાનું કારણ બતાવી બચાવ કરી રહ્યા છે. હિમોગ્લોબીનની ઉણપ માટે કોઈપણ રોગ સિંહોને લાગુ પડયો હોય તે વાત ચોક્કસ નક્કી મનાય છે.૧૯ સિંહોના મોતમાં છેલ્લા બે દિવસની અંદર બે સિંહબાળ ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. વનવિભાગ દ્વારા ગુપ્ત રાહે સિંહોના મોતનું ચોક્કસ કારણ શોધવા અલગ-અલગ વેટરનરી ડોક્ટર સકરબાગ ઝૂ ના વેટરનરી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ દોડધામ આદરી છે.
દલખાણીયા રેંજમાં કેનાઈન ડિસ્ટેમ્પરથી ૨૩ જેટલા સિંહોના દોઢ વર્ષ પહેલા મોત થયા બાદ તેની નજીક જ વસવાટ કરતા ૩૨થી વધુ સિંહોને વન વિભાગ કેદ કર્યા અને તેઓને અમેરિકા થી મંગાવેલી વેક્સિન આપી હતી. આ તમામ સિહો કાયમી વનવિભાગના ઓશિયાળા બની ગયા છે ત્યારે વધુ એક વાર સિંહોને કેદ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે વનવિભાગના અધિકારીઓ ભેદી મૌન સેવી રહ્યા છે. જો કોઈ ગંભીર રોગ ન હોય તો વનવિભાગે દરેક મૃતક સિંહોના પીએમ રિપોર્ટ જાહેર કરવા જોઇએ અને નિરક્ષણમાં રાખેલા સિંહોની કરવામાં આવેલી તપાસનો વિગતવાર રિપોર્ટ જાહેર શા માટે નથી કરવામાં આવતો તેવો પ્રશ્ન ઉઠાવી વન્ય પ્રેમીઓ વન વિભાગ સામે શંકાની સોઇ ઉભી કરી રહ્યા છે.