132 ફોરેસ્ટરોને આરએફઓના પ્રમોશન મળ્યા પણ હજુ પોસ્ટિંગ નથી અપાયું
એક માસ પહેલાં પ્રમોશન આપી દેવામાં આવ્યા છે વહીવટી વિટંબણાઓના કારણે હજુ પોસ્ટિંગ આપવાની પ્રક્રિયા ચડી રહી છે ટલ્લે, 180 આરએફઓની જગ્યા હજુ ખાલી
વિસાવદર : ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા 132 ફોરેસ્ટરોને આર.એફ.ઓ.ના પ્રમોશન આપી દેવામાં આવ્યાને એક માસ થવા છતાં હજુ પ્રમોશન આપેલા આર.એફ.ઓ ને પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. વહીવટી વિટંબણાઓને કારણે પોસ્ટીંગ આપવાની પ્રક્રિયા ટલ્લે ચઢી રહી છે.ગુજરાતમાં હજું આર.એફ.ઓ.ની 180 જગ્યા ખાલી છે.જેમાંથી 133 ફોરેસ્ટરોને પ્રમોશન આપી રેન્જ ફોરેસ્ટ ઓફિસર બનાવવામાં આવ્યા છે પરંતુ આ જગ્યાઓ પર હજુ પોસ્ટિંગ ન અપાતાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.
વન્ય પ્રાણીઓ, વન, વૃક્ષોની જાળવણી કરવાની જવાબદારી છે તેવા વનવિભાગની 180 ખાલી જગ્યા માથી 132 ફોરેસ્ટરોને પ્રમોશન આપી આર.એફ.ઓ. બનાવાયા છે. પરંતુ હજુ તેઓને પ્રમોશન આપી જે તે જગ્યા પર જ રાખવામાં આવ્યા છે. પ્રમોશન લીધેલા આર.એફ.ઓ પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે.એક માસ જેટલો સમય થવા છતાં હજુ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટીંગ આપવાની પ્રક્રિયા પૂરી ન કરી શકતા અનેક સવાલો ઉઠયા છે. પ્રમોશન લીધેલા આર.એફ.ઓ. પોતાની માનીતી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
40 જેટલા એ.સી.એફ. ના પ્રમોશન આપવાની તૈયારીઓ પૂર્ણ થઈ હોય તેવું વનવિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે એ.સી.એફ.ની હજુ ગુજરાતમાં 80 જગ્યાઓ ખાલી છે.જેમાંથી 40 જેટલા આર.એફ.ઓ.ને પ્રમોશન આપવાની પણ પ્રક્રિયા શરૂ છે.અને 51 જેટલા આર.એફ.ઓ. ની સીધી ભરતી કરેલ છે. તે ભરતીને પણ છ માસ જેટલો સમય થઈ ગયો. પરંતુ હજુ તે આર.એફ.ઓ.ને ઓર્ડરો પણ આપવામાં આવ્યા નથી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ઓર્ડર ન આપવાનીની નીતીના કારણે પાસ થઈ ગયેલા ઉમેદવારો પણ વિટંબણાઓમાં છે.