'મહા' વાવાઝોડાની શક્યતાના પગલે દરિયામાં ફિશિંગ માટે ગયેલી માંગરોળની 1049 બોટ પરત
- માંગરોળ ઉપરાંત વેરાવળ, પોરબંદર, ઓખા સહિતના બંદર ખાતે બોટને સલામત રીતે રાખી દેવાઈ
જૂનાગઢ, તા. 04 નવેમ્બર2019, સોમવાર
'મહા' વાવા ઝોડાની શક્યતાના પગલે દરિયો તોફાની બનવાની ભીતિ છે. આથી તમામ બોટને પરત બોલાવવામાં આવી હતી. જેના અનુસંધાને માંગરોળથી દરિયામાં ગયેલી ૧૦૪૯ બોટ આજ સુધીમાં પરત આવી ગઈ હતી. આ બોટને માંગરોળ ઉપરાંત વેરાવળ, પોરબંદર, ઓખા બંદર ૫૨ સલામત રીતે લાંગરવામાં આવી છે.
આગામી તા. ૬થી ૮ દરમ્યાન 'મહા' વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય જેવી સંભાવના છે અને તેને પગલે વરસાદની પણ શક્યતા છે. દરિયો તોફાની બને તેમ હોવાથી તંત્ર દ્વારા દરિયામાં ગયેલી બોટને પરત બોલાવી લેવામાં આવી હતી. જેના અનુસંધાને માંગરોળની ૧૦૪૯ જેટલી બોટને પણ પરત બોલાવી લેવામાં આવી હતી. આથી માંગરોળ બંદરની આ બોટ સલામત જુદા જુદા બંદર પર પરત પહોંચી ગઈ છે.
આજે મત્સ્યોદ્યોગ અધિક્ષક તથા બોટ એસો.ના પ્રમુખ તેમજ ખારવા સમાજના પટેલની બેઠક યોજાઈ હતી. જેમાં ૧૪૦ બોટ વેરાવળ બંદર ખાતે, ૭૫ બોટ વેરાવળ બંદરની સામેના લંગર પર, ૩૮૯ બોટ માંગરોળ બંદર ખાતે, ૨૩૨ બંદર સામેના લંગર પર, ૫૨ બોટ ઓખા બંદર ખાતે, ૯૮ બોટ પોરબંદર બંદર પર, ૬૩ મુંબઈ તરફ બંદર પર સલામત રીતે લાંગરવામાં આવી હોવાનું જણાવવામાં આવશે તેના ટોકન ફિઝીકલ જમા લેવામાં આવશે.
જૂન માસમાં 'વાયુ', વાવાઝોડુ દિવાળી પર 'ક્યાર' વાવાઝોડુ તેમજ હવે મહા વાવાઝોડાની શક્યતાના કારણે માછીમારોની કફોડી હાલત થઈ છે. વાવાઝોડાના લીધે માછીમારોની રોજીરોટી બંધ રહે છે. આથી માછીમારોને પણ સરકાર તરફથી સહાય ચુકવવામાં આવે એવી માંગ ઉઠી છે.