જૂનાગઢ સી.ડિવિઝનનાં 10 થી 12 પોલીસકર્મી સામે હત્યાનો ગુનો દાખલ
- લૂંટ - ચોરીનો ગુનો કબુલ કરાવવા માર મારતા વૃધ્ધના મોત મામલે
- ચોબારી રોડ પર રહેતા 12 લોકોને પોલીસ સ્ટેશને લઈ જઈ ગેરકાયદે અટકાયતમાં રાખી માર મારતા થયેલા એક વૃધ્ધનું થયું હતું મોત
જૂનાગઢ,તા. 29 ઓગસ્ટ 2019,ગુરૂવાર
જૂનાગઢમાં લૂંટ, ચોરીનો ગુનો કબુલ કરાવવા સી.ડિવિઝન પોલીસે પકડી ૧૨ જેટલા શખ્સો શખ્સોને માર માર્યો હતો. જેમાં એક વૃધ્ધનું મોત થયું હતું. આ મામલે આઈ.જી. સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ હતી. ગત રાત્રે સી.ડિવિઝન પોલીસ સ્ટેશનના ૧૦થી ૧૨ પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ થતા પોલીસ બેડામાં ચકચાર વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢમાં થોડા સમયથી ચોરીની ઘટનાઓ વધી છે. મીરાનગરના રાજદીપ પાર્કમાં મકાન માલિક પર પથ્થરમારો કરી દાગીના તથા રોકડની લૂંટ થઈ હતી. આ ઘટનાના અનુસંધાને સી.ડિવિઝન પોલીસ ગત તા.૧૬નાં મૂળ સમી તાલુકાના રામપુરા ગામના અને હાલ ચોબારી રોડ પર ઝૂંપડ પટ્ટીમાં રહેતા શંકર ધુળા કલીયાવાડા, હીરાભાઈ રૂપાભાઈ બજાણીયા સહિત ૧૨ જેટલા શખ્સોને પકડી પોલીસ સ્ટેશને લઈ જઈ રાજદીપ પાર્કમાં બનેલા લૂંટનાં બનાવની બળજબરીથી કબુલાત કરાવવા પ્લાસ્ટીકના પાઈપ વડે માર માર્યો હતો.
જેમાં હીરાભાઈ રૂપાભાઈ બજાણીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધનું મોત થયું હતું. જયારે અન્ય ૧૧ શખ્સને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતાં. આ ઘટના બાદ અમદાવાદના વિચરતા સમુદાય સમર્થન મંચ તથા પોલીસના મારનો ભોગ બનેલા લોકોએ રેન્જ આઈ.જી. રાજયનાં ડી.જી.પી. ગૃહ મંત્રી, મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી સમગ્ર મામલાની ન્યાયિક તપાસ કરવાની માંગણી કરી હતી.
ગત તા.૧૬નાં સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનેલા આ બનાવ અંગે શંકરભાઈ ધુળાભાઈ કલીયાવાડાએ સી.ડિવિઝનના ૧૦ થી ૧૨ પોલીસ કર્મી સામે લૂંટનો ગુનો બળજબરીથી કબુલ કરાવવા પ્લાસ્ટીકના પાઈપથી બેફામ માર માર્યો હતો. જેમાં હીરૂભાઈ રૂપાભાઈ બજાણીયાનું મોત થયું હતું. જયારે અન્યને ઈજા કરી હતી. આથી સી.ડિવિઝનમાં દસથી બાર પોલીસ કર્મીઓ સામે આઈ.પી.સી. ૩૦૨, ૩૨૩, ૩૩૦, ૩૪૨ ૩૪૮ અને ૩૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ અંગે ઈન્ચાર્જ ડીવાય.એસ.પી. આરવી. ડામોરે વધુ તપાસ હાથ ધરી છે. દસથી બાર પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ થતા પોલીસ બેડામાં ચકચાર વ્યાપી ગઈ હતી.