જામજોધપુરમાં યુવાનનું અપહરણ કરી મારામારી, જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામજોધપુર પોલીસ મથકે અપહરણ, મારામારી, ધમકી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ અંગે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ વાલોત્રા ગામના રહેવાસી અને ફર્નિચર કામ કરતા કિરીટભાઈ પ્રવીણભાઈ કોરીયા (ઉ.વ. 29) તા. 18 જૂનના રોજ સવારે આશરે 9.30 વાગ્યે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ખાતે હિતેશભાઈ લાડાણીની દુકાને કામ કરતા હતા ત્યારે આરોપીઓ સફેદ રંગની જીજે-05-જેએન-2750 નંબરની અર્ટિગા કારમાં આવી પહોંચ્યા હતા.
આ આરોપીઓ ગોપાલભાઈ ઉર્ફે જતીન શુભારામભાઈ નીમાવત, અજયભાઈ સરજુદાસ નીમાવત અને જનકભાઈ સરજુદાસ નીમાવત (ત્રણે રહે. વાલોત્રા ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદર)એ કિરીટભાઈને જબરદસ્તી કારમાં બેસાડી અપહરણ કરી બાલવા ગામ તરફ જતા રોડ પર લઈ ગયા હતા.
ત્યાં ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી, તેમજ ફરિયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી ગોપાલભાઈ ઉર્ફે જતીન નીમાવતે કારમાંથી લાકડી કાઢી ફરિયાદીના બંને પગના ભાગે મુઢ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 140(3), 115(2), 352, 351(3), 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.









