જામનગર નજીક ધોરીવાવમાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
- મામાના દીકરા સાથે પરિવારજનો સગપણ કરવા માંગતા હોવાથી પસંદ નહીં પડતાં ભરેલું અંતિમ પગલું
જામનગર, તા. 6 મે 2020 બુધવાર
જામનગર નજીક ધોરીવાવ માં રહેતી એક યુવતીએ ગઈકાલે રાત્રે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. પરિવારજનો મામાના દીકરા સાથે સગપણ કરવા માંગતા હોવાથી તે સંબંધ પસંદ ન હોવાથી આત્મહત્યાનો માર્ગ અપનાવી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધોરીવાવ માં રહેતી નાથીબેન ઉર્ફે નયનાબેન અમરાભાઇ ખરા નામની ૨૦ વર્ષની યુવતીએ ગઈકાલે રાત્રે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતક ના મોટાભાઈ નાથાભાઈ અમરાભાઇ ખરા એ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના પરિવારજનો મામાના દીકરા સાથે સગપણ કરાવવા માગતા હોવાથી તે સગપણ નાથીબેનને પસંદ નહિ પડતા પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.