જામનગર તાલુકાના નાઘેડીમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલો
- પિતરાઈ ભાઇ અને ભત્રીજાએ માથામા હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર, તા. 13 મે 2020 બુધવાર
જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા એક યુવાન ઉપર ગઈકાલે રાત્રે તેના જ કુટુંબી ભાઇ અને ભત્રીજાએ સામાન્ય બોલાચાલી પછી તકરાર કરી તલવાર વડે માથામાં અને હાથમાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જ્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે. જયાં તેને માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા છે.
આ હુમલાના બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં હુસેની ચોક વિસ્તારમાં રહેતા અલ્તાફ જુમાભાઈ પતાણી નામના 36 વર્ષના યુવાન પર તેના જ કુટુંબી ભાઈ કાસમ ઈસ્માઈલ પતાણી અને ભત્રીજા નવાજ કાસમ પતાણીએ તલવાર વડે માથામાં અને હાથમાં હુમલો કરી દેતા ઈજા થઈ હતી અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જેને માથામાં 3 ટાંકા લેવા પડ્યા છે જ્યારે હાથમાં 2 ટાંકા લેવા પડ્યા છે.
આ હુમલાના બનાવ અંગે પંચકોશીએ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોટરસાયકલ સ્પીડમાં ચલાવવા બાબતે પિતરાઇ ભાઇઓ વચ્ચે બોલાચાલી થયા પછી આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.