પત્નીએ પ્રેમી સાથે મળીને સોપારી આપી પતિની કરાવી ઘાતકી હત્યા
- જામનગરનાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
- કાલાવડના ત્રણ શખ્સોને રૂા. 1.60 લાખની સોપારી આપતા યુવાન પર જીવલેણ હૂમલો કરીને જોડીયા પાસે ફેંકી ગયાની કબુલાત
જામનગર, તા.31 ઓક્ટોમ્બર 2019, ગુરૂવાર
જામનગર જિલ્લાના જોડિયા પાસે યુવાનને માર મારી ફેંકી દેવાયા પછી તેનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો, અને મૃતકની ઓળખ કરી લેવાઈ હતી. દરમિયાન પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમીની મદદથી પતિનું કાસળ કઢાવી નાખ્યું હોવાનો અને ત્રણ શખ્સોએ સોપારી લઈને આ હત્યા નિપજાવી હોવાનું પ્રકાશમાં આવતા ભારે હલચલ મચી ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયામાં ખીરી ગામ પાસે ગત ૨૫મીએ સવારે એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેની સરકારી જી.જી.હોસ્પિટલમાં ચાર દિવસ સુધી સારવાર કર્યા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી જોડિયા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અને મૃતદેહને જીજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખ્યો હતો. દરમિયાન સોશિયલ મીડિયા ના આધારે મૃતકની ઓળખ થઇ ગઇ હતી. મૃતકનું નામ હારુંન કાસમ સુમરા અને સાત રસ્તા વિસ્તારમાં પાવર હાઉસ પાસે રહેતો હોવાનું અને તાજિયા ગેંગના કુખ્યાત સાગરીત રહીમ કાસમ સુમરાનો ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતકના બીજા ભાઈ કરીમ કાસમભાઇ બાબવાણીએ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો, અને પોતાના ભાઈનું કોઈ અજ્ઞાાત શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા મારી ખૂન કરી નાંખ્યું હોવાનું જણાવતાં જોડીયા પોલીસ મથકમાં કરીમ બાબવાણીની ફરિયાદના આધારે અજ્ઞાાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણની ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી અને એલસીબીની ટુકડી પણ આ પ્રકરણમાં જોડાઈ હતી. દરમિયાન પોલીસની ઉંડાણપૂર્વકની તપાસના અંતે નવો ઘટસ્ફોટ થયો હતો તેની પત્નીએ જ કાવતરું રચીને સોપારી આપી પોતાના પ્રેમી સાથે મળીને ત્રણ ભાડૂતી હત્યારો મારફતે કાસળ કાઢી નાંખ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસની તપાસમાં મૃતકની પત્ની સબાના હારુન સુમરા કે જે જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે રહે છે તેણીએ પોતાના પ્રેમી કાલાવડમાં રહેતા સિરાજ સોમાણી નામના ખોજા શખ્સ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડયું હતું અને કાલાવડમાં રહેતા અજય સુરેશભાઈ નૈંયા અને તેના મિત્ર વિનોદભાઈ વાઘેલા (રે. કાલાવડ) તેમજ શાહિદના મિત્ર રહીશ નુરમામદને સોપારી આપી હતી. અજય દ્વારા રૂપિયા એક લાખ દસ હજારમાં સોપારી લઈ પોતાના મિત્રોની મદદથી હારૂન કાસમ સુમરા પર જીવલેણ હુમલો કરી જોડિયા નજીક ફેંકી દીધો હતો.
જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ સમગ્ર મામલાની જોડીયા પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે અને હુમલાખોર મૃતકની પત્ની સબાના અને તેના પ્રેમી શાહીદ ઉપરાંત સોપારી લેનાર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી લીધી હતી.