જામનગર જિલ્લાના હવામાન એકાએક પલ્ટો: આકાશ ઘટાટોપ વાદળોથી ઘેરાયું
- વરસાદી વાતાવરણ ને લઈને ખેડૂતોની ચિંતામાં થયો વધારો: વરસાદ થવાની સંભાવના
જામનગર, તા.25 માર્ચ 2020, બુધવાર
જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો છે. અને આકાશ કાળા અને સફેદ વાદળોથી ઘેરાઇ ગયું છે. ગોરંભાયેલા આકાશના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અને વરસાદ પડે તેવી સંભાવના છે. કમોસમી વરસાદના કારણે ઊભા પાકને તેમજ કેરીને નુકસાન થાય તેવું પણ ખેડૂતો ઉચ્ચારી રહ્યાં છે.
જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ એકાએક હવામાનમાં પલટો આવ્યો છે અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ ગયું છે ગોરંભાયેલા આકાશના કારણે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. હવામાન ખાતા દ્વારા 25મીએ ને 26 તારીખના દિવસો દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે હવામાનમાં પલ્ટો જોવા મળ્યો છે અને વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે.
જામનગર શહેર અને જિલ્લામાં ખેડૂતોએ ઉભા કરેલા પાકને નુકસાન પહોંચે તેમ છે. સાથોસાથ કેરીના પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થાય તેમ હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઇકાલે લઘુત્તમ તાપમાન પણ 22 ડિગ્રી આસપાસ રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહ્યું હતું અને ગરમીનો અહેસાસ થયો હતો. પરંતુ આજે હવામાનમાં પલટો આવ્યા પછી ફરીથી ટાઢોળૂં છવાઈ ગયું છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, આજે સવારે 8:00 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન પણ 22 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાક 30 કિ.મી.ની ઝડપે રહી હતી.