જામનગરના લહર તળાવ નજીક સરકારી ખરાબાની જગ્યામાં બિનઅધિકૃત રીતે પેશકદમી
- પાંચ શખ્સોએ જેસીબી વડે જમીનમાં ખેડાણ કરી સરકારનું બોર્ડ તોડી નાખ્યાની ફરિયાદ
- પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી લઈ જેસીબી મશીન કબજે કર્યું
જામનગર, તા. 19 માર્ચ 2020 ગુરૂવાર
જામનગરમાં નાઘેડી નજીક લહેર તળાવ પાસે સરકારી ખરાબાની જગ્યા આવેલી છે. જે જગ્યામાં તાજેતરમાં પાંચેક જેટલા શખ્સોએ ગેરકાયદે પેશકદમી કરી જેસીબી મશીન વગેરેની મદદથી બાવળ કાઢી નાખ્યા હતા અને બાજુમાં તળાવ આવેલું હોવાથી ખેડાણ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો.
આ અંગે જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર રાકેશ ભરતભાઈ પરમારને ધ્યાનમાં આવતા તેઓએ તુરત જ જમીનમાં પેશકદમી કરનાર આ પાંચેય શખ્સોને અટકાવ્યા હતા અને ફરીથી જમીનમાં પ્રવેશ નહીં કરવા જણાવી સરકારી જગ્યાનુ સાઈન બોર્ડ લગાવ્યુ હતું.
પરંતુ પાંચેય શખસો ફરીથી જમીનમાં પ્રવેશ્યા હતા અને સરકારનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું અને પાંચ વીઘા જેટલી જમીનમાં જેસીબી ફેરવી જમીનને સમથળ કરી નાખી હતી. આથી આ મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો અને આખરે પાંચેય શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી ડિવિઝન પોલીસે જામનગરના જોડીયા ભૂંગા વિસ્તારમાં રહેતા મન્સુર મામદ સાઇચા, ગુલાબ નગરમાં રહેતા આમદ ઉંમર ખફી, ઢિચડામાં રહેતા અસગર જૂમા દોદેપોત્રા, અને હનીફ જૂમા ઉપરાંત હાપા માં રહેતા રજાક સીદીક ખીરા વગેરે પાંચ શખ્સોની ધરપકડ કરી લઈ જેસીબી મશીન પણ કબજે કરી લીધું છે.