જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે કમોસમી વરસાદને લઈને મગફળીના જથ્થાને નુકસાન થયું છે. જો કે વહેલી સવારથી જ મગફળીની 1500થી વધુ ગુણીને ટ્રાન્સફર કરી લેતાં તેનો બચાવ થયો છે.
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા હરાજી માટે રાખવામાં આવેલી મગફળી ના જથ્થાને નુકસાન થયું છે.શેડ ની બહાર રાખવામાં આવેલી અઢી હજાર જેટલી મગફળી ની ગુણી પર વરસાદ નો માર લાગ્યો હતો. જેના કારણે કેટલોક જથ્થો ભીનો હતો, દરમિયાન વહેલી સવારથી જ મગફળી ની ગુણી ને શ્રમિકો મારફતે શેડ નીચે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી લેવાઈ હતી, અને 1500થી વધુ ગુણી ખસેડી લેવાઇ છે. બાકીના જથ્થાની હરાજીની પ્રક્રિયા પૂરી કરી લઈ તેને વાહનોમાં ભરી લેવાનું શરૂ કરી દેવાયું છે.

આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે, પરંતુ ગઈકાલ સાંજથી જ મોસમના બદલાયેલા મિજાજના કારણે ખેડૂતોને પોતાનો મગફળી નો જથ્થો ટ્રકમાં થી ઉતારવાની ના પાડી હોવાથી મગફળી ભરેલા વાહનો ઉભા રખાયા છે, અને વાતાવરણ પૂરૂ થયા પછી ટેકાના ભાવે ખરીદી કરી લેવાશે. સરકાર દ્વારા ખરીદ કરાયેલા મગફળીના કેટલાક જથ્થામાં પણ વરસાદની અસર થઈ છે. જોકે તે જથ્થો પણ ખસેડી લેવાયો છે.


