Updated: Mar 19th, 2023
હલર મશીનમાં કામ કરી રહેલી મહિલાનો સાડીનો છેડો મશીનમાં ફસાઈ જતાં માથાના ભાગે ગંભીર ઇજા થયા પછી કરુણ મૃત્યુ
જામનગર, તા. 19 માર્ચ 2023 રવિવાર
જામનગર તાલુકાના જગા મેડી ગામમાં ખેતીવાડીમાં હલર મશીનના કામ દરમિયાન એક ઓજારી દુર્ઘટના સર્જાઇ છે. મશીનમાં રાયડો કાઢવાનું કામ કરી રહેલી શ્રમિક મહિલાની સાડીનો છેડો મશીનમાં ફસાઈ જતાં માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજા થયા પછી તેણીનું કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જગા મેડી ગામમાં રહેતી પાર્વતીબેન પ્રેમજીભાઈ ગોહિલ નામની ૪૨ વર્ષની મહિલા કે જે જગા મેડી ગામમાં વલ્લભભાઈ નામના ખેડૂતની વાડીમાં હાલર મશીનમાં રાયડો કાઢવાનું કામ કરી રહી હતી, જે દરમિયાન તેણી નો સાડીનો છેડો હલર મશીનમાં આવી જતાં તેણીને ગળાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, અને ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે ભરત કાનજીભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.