જામનગરમાં વતન જવા માટે શ્રમિકોના ટોળા એકત્ર થતાં દોડધામ
- દિગ્જામ સર્કલ પાસે અફડા - તફડી
- ટ્રેન અથવા બસ મારફતે તમામ મજૂરોને વતન મોકલવાની તજવીજ ચાલુ હોવાની ખાતરી અપાતા મામલો થાળે પડયો
જામનગર,તા.12 મે 2020, મંગળવાર
જામનગરમાં દિગ્જામ મિલ પાછળના ભાગમાં પરપ્રાંતિય શ્રમિકોની મોટી વસાહત છે, જયાં વસવાટ કરતા શ્રમિકો ટોળાના સ્વરૂપે આજે દિગ્જામ સર્કલ નજીક પુલ પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ જતાં ભારે દોડધામ થઈ ગઈ હતી. જેથી વહીવટીતંત્ર ભારે ટેન્શનમાં આવી ગયું હતું.
પરપ્રાંતીય શ્રમિકોને વતનમાં જવાની ઉતાવળ હોવાથી આજે ૨૫૦થી વધુ શ્રમિકો ટોળા સ્વરૂપે દિગજામ સર્કલ નજીક આવેલા ઓવર બ્રીજની નીચે એકત્ર થઈ જતાં ભારે અફડાતફડી સર્જાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી પરિસ્થિતિ ન હોવાથી વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો હતો. દરમિયાન નજીક વિસ્તારમાં રહેતા સ્થાનિક અગ્રણીઓ વગેરેએ આવી જઈ વહીવટીતંત્રની મદદ કરી હતી. અને મામલો થાળે પાડયો હતો.
શ્રમીકોને વારાફરતી ટ્રેન અથવા બસ મારફતે વતનમાં કલવાની કાર્યવાહી ચાલી રહી છે તેવી હૈયાધારણા અપાયા પછી શ્રમિકોને પોતાના ઘેર પરત મોકલવામાં આવ્યા હતાં.