જામનગર શહેર અને કાલાવડમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, 14 જુગારીયાઓની અટકાયત

- જામનગરમાં ડ્રીમ સીટી વિસ્તારમાં એક રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો, મકાનમાલિક સહિત 6 પકડાયા
જામનગર, તા. 27
જામનગરમાં સ્વામિનારાયણ નગર નજીક ડ્રીમ સિટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા મકાનમાલિક સહિત છ શખ્સોને પકડી પાડયા છે, અને તેઓ પાસેથી રૂપિયા 66 હજારની માલમતા કબજે કરી છે. આ ઉપરાંત જામનગર શહેર અને કાલાવડમાં પણ અન્ય બે સ્થળે પોલીસે જુગાર અંગે દરોડા પાડયા છે, અને વધુ 8 આરોપીઓની અટકાયત કરી લીધી છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં સ્વામિનારાયણ નગર નજીક ડ્રીમસીટી માં રહેતા પરેશ નરસિંહભાઇ રાઠોડ નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી એલસીબીની ટીમે મળી હતી, તે બાતમીના આધારે આજે સાંજે દરોડો પાડતાં રહેણાંક મકાનમાંથી મકાન માલિક સહિત છ શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે મકાનમાલિક પરેશ નરશીભાઇ રાઠોડ, વાલજી પેથાભાઇ વધોરા,યુનુસ ઉમરભાઈ દરજાદા, સલીમ અલારખા ખીરા, હરેશ જયસુખભાઇ ત્રિવેદી, અને સુનીલ મનુભાઈ ગોહિલ સહિત છ શખ્સોની અટકાયત કરી લઇ, તેઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 66 હજારની માલમતા કબજે કરી છે.
જામનગરમાં ઘોડીપાષાના જુગાર અંગેનો બીજો દરોડો નાગનાથ ગેટ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ઘોડીપાષા નો જુગાર રમી રહેલા ફિરોજ કાસમ કુરેશી, નૂરમામદ ઓસમણ બ્લોચ, અયાજ હુસેન કુરેશી, અને મુકેશ રાજુભાઈ માતંગ ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 16,200ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં પાડવામાં આવ્યો હતો, જ્યાં ઝાડ નીચે લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા મનસુખ મગનભાઈ મકવાણા વગેરે ચાર શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,730ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

