Jamnagar

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ કાળનો કોળિયો બની

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં ઠંડીની શરૂઆત સાથે માર્ગ અકસ્માતોનો સિલસિલો ચિંતાજનક બન્યો છે. છેલ્લા 24 કલાકમાં દરેડ, ઠેબા ચોકડી અને ખટીયા પાટિયા પાસે થયેલા 3 જીવલેણ અકસ્માતોમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જેમાં દરેડ પાસે ટ્રક-ટ્રેલરની ટક્કરે 33 વર્ષીય યુવાન, ઠેબા ચોકડી પાસે કારની ટક્કરે 53 વર્ષીય મહિલા અને ખટીયા પાટિયા પાસે કારની ટક્કરે અન્ય એક યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ કાળનો કોળિયો બની

Jamnagar: જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીની શરૂઆતની સાથે માર્ગ અકસ્માતોની ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન બનેલા ત્રણ અલગ-અલગ જીવલેણ માર્ગ અકસ્માતમાં ત્રણ માનવ જિંદગીનો ભોગ લેવાયો છે. દરેડ, જામનગર-રાજકોટ રોડ પર ઠેબા ચોકડી અને ખંભાળિયા-જામનગર હાઇવે પર ખટીયા પાટિયા નજીક સર્જાયેલા કુલ ત્રણ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુ નીપજતાં પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે.

દરેડ પાસે ટ્રક-ટ્રેલરની ટક્કરે યુવાનનું મોત

પ્રથમ બનાવમાં દરેડ બસ સ્ટેશન નજીક ગૌશાળાથી થોડે આગળ આવેલા પુલિયા પાસે ગત તા. 20 નવેમ્બરના રોજ રાત્રે આશરે આઠ વાગ્યાના અરસામાં ટ્રક-ટ્રેલર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દરેડ વિસ્તારમાં રહેતા સુનીલભાઈ દાનાભાઈ ઘુઘલના 33 વર્ષીય ભાઈ ભરતભાઈ કે જેઓ પલ્સર મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક-ટ્રેલરના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી મોટરસાઇકલને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ભરતભાઈને કપાળ સહિત શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચકોશી-બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ઠેબા ચોકડી પાસે કારની ટક્કરે મહિલાનું મોત

બીજા બનાવમાં જામનગર-રાજકોટ રોડ પર ઠેબા ચોકડી ખાતે ગત તા. 25 ઓક્ટોબરના રોજ બપોરે થયેલા અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. હિંમતનગર શેરી નં. 4માં રહેતા ચિરાગભાઈ આશરાના માતા-પિતા મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ કારના ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માતા ઇન્દુબેન આશરા (ઉંમર 53) અને તેમના પતિને ગંભીર ઇજાઓ થતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઇન્દુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પંચકોશી-બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

ખટીયા પાટિયા પાસે કારની ટક્કરે યુવાનનું ઘટનાસ્થળે મોત

ત્રીજા બનાવમાં ખંભાળિયા-જામનગર હાઇવે પર ખટીયા ગામના પાટિયા પાસે ગત તા. 20 નવેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં ગ્લાન્ઝા કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લાલપુર તાલુકાના ઝાખર ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ ચુડાસમાના ભાઈ ભરતસિંહ ચુડાસમા મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ગ્લાન્ઝા કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર હંકારી મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ભરતસિંહને ગંભીર જીવલેણ ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી છૂટ્યો હતો. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.