- અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગમાં ફોન મળી આવતાં અજાણ્યા કેદીઓ સામે ગુનો નોંધાયો
- એક સપ્તાહ દરમિયાન 7 મોબાઇલ ફોન મળી આવ્યા: જિલ્લા જેલમાં મોબાઇલ કઈ રીતે પહોંચ્યા તે તપાસનો વિષય
જામનગર તા પ,
જામનગરની જિલ્લા જેલમાં થી ત્રણ દિવસ પહેલા ચાર મોબાઇલ ફોન મળી આવ્યા ની ફરિયાદ પછી ગઈકાલે સાંજે અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરતાં વધુ ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હોવાથી ભારે હડકંપ મચી ગયો છે. જે મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો, અને મોબાઇલ ફોનના નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક સપ્તાહમાં સાત જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા હોવાથી જેલની અંદર આટલા મોબાઈલ ઘૂસ્યા કઈ રીતે, તે પણ તપાસનો વિષય બન્યો છે.
અમદાવાદ ની જેલ સુધારક ની કચેરી ની ઝડતી સ્ક્વોર્ડ ના જેલર ડી.આર. કરંગીયા અને તેઓની ટીમ દ્વારા ગઈકાલે જામનગરની જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન જેલમાંથી જુદાજુદા ત્રણ નંગ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જોકે તે મોબાઇલ ફોનમાં સીમ કાર્ડ કાઢી લેવાયા હતા અને આઇ.એમ.આઇ નંબર ને પણ ઘસી કાઢવામાં આવ્યા છે.
જે ત્રણ મોબાઈલ ફોન કબજે કરી લઈ જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકના રજૂ કરવામાં આવ્યા છે, અને જેલની અંદર રહેલા અજાણ્યા કેદીઓ સામે ગુનો નોંધવામાં આવે છે. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ દિવસ પહેલાંજ જેલમાંથી 4 નંગ મોબાઇલ ફોન મળી આવ્યા પછી ગઈકાલે વધુ ત્રણ મોબાઇલ ફોન મળી આવતાં આટલા બધા મોબાઈલ ફોન જેલની અંદર કઈ રીતે ઘૂસ્યા, અથવા તો તેમાં કોની સંડોવણી છે, જે બાબતે ઊંડાણ પૂર્વક ની તપાસ કરવી જરૂરી છે.ઉપરાંત જેલની અંદર મોબાઈલ ફોન ઘૂસાડનારને શોધીને તેની સામે પણ પગલાં લેવામાં આવે તે દિશામાં તપાસ થવી જરૂરી છે.


