જામનગર જિલ્લાના જામજોધપુરમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ: સાડા ત્રણ ઇંચ વરસાદ
- જામનગર શહેરમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદથી પાણી ફેલાયા, લાલપુર પંથકમાં વધુ બે ઇંચ વરસાદ
જામનગર, તા. 17 જુલાઈ 2020 શુક્રવાર
જામનગર જીલ્લામાં જામજોધપુર પંથકમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે જામજોધપુર પંથકમાં ફરીથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી અને ત્રણ કલાકના સમયગાળા દરમિયાન વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેમાં ખાસ કરીને જામજોધપુરના પરડવા, ધ્રાફા, ધુનડા સહિતના ગામોમાં ત્રણથી ચાર ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેના કારણે વેણુ નદીમાં ભારે પુર આવ્યા હતા.
જામજોધપુર ટાઉનમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યા પછીથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને વરસાદ શરૂ થયો હતો. રાત્રીના બે વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ચાર કલાકના સમયગાળા દરમિયાન જામજોધપુરમાં 83 મીમી પાણી પડી ગયું હતું.
જ્યારે જામજોધપુર તાલુકાના ધ્રાફામાં 86 મિમી., પરડવામા 70 મી.મી, ધુનડાના 48 મી.મી., જામવાડીમાં 40 મી.મી., વાસજાળીયાના 34 મિ.મી., શેઠ વડાળામાં પાંચ મિમી. અને સમાણામા પાંચ મીમી વરસાદ નોંધાયો છે.
લાલપુર પંથકમાં પણ ગઈકાલે રાત્રે મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી અને લાલપુર નજીક પડાણા ગામમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ભણગોરમાં એક ઇંચ પાણી પડી ગયું હતું.
જામનગર શહેરમાં પણ ગઈકાલે રાત્રે બાર વાગ્યાના અરસામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. જોકે થોડી ક્ષણો પછી વરસાદ રોકાઈ ગયો હતો. જેના કારણે પાણી ભરાયા હતા. જામનગર તાલુકાના વસઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.